ગાંધીનગરના રૂપાલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સભા ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના પ્રખ્યાત અને ઐતિહાસિક ગામ રૂપાલ ખાતે ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’નો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક ૨૫ વર્ષના સેવાયજ્ઞ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે વડાપ્રધાનશ્રીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેથી દેશભરના વિવિધ શહેરોમાં જીવંત પ્રસારણ દ્વારા દેશવાસીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.


‘સેવા જ્યોતિ મશાલયાત્રા’ને જનસેવા, પારદર્શિતા અને સુશાસનની પ્રતિક રૂપે દર્શાવી, રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાય તે જ સાચા સંકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રીશ્રીએ મશાલ પ્રજ્વલિત કરી, હર્ષોલ્લાસ સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.


નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રૂપાલ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે પૂજન અને આરતી કર્યા બાદ મશાલ યાત્રામાં જનમેદની સાથે ચાલીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ જિલ્લા કક્ષાની મસાલા યાત્રા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરશે.


આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, પક્ષ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ તથા ગાંધીનગર જિલ્લા પ્રભારીશ્રી રમેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગંત બ્રહ્મભટ્ટ અને અધિક કલેક્ટરશ્રી અમિત પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, રૂપાલ ગામના અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *