વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અવિરત જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘સેવા સંકલ્પ અભિયાન’ અન્વયે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ

નવી દિલ્હી ખાતે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં ઉપસ્થિત રહી દેશવાસીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

૨૫ વર્ષની યાત્રાને જનતાજનાર્દનના આશીર્વાદનું પરિણામ ગણાવી દેશની જનતાના ચરણોમાં શીશ નમાવીને નમન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
આજે હું જે પણ છું, જ્યાં પણ છું, જે જવાબદારી પર છું તેમાં સૌથી મોટું યોગદાન જનતાજનાર્દનનું જ છે, મારા માટે જનતાજનાર્દન જ ઈશ્વરનું રૂપ છે -શ્રી નરેન્દ્રભાઇ મોદી
કરોડો દેશવાસીઓનો વિશ્વાસ અને કાર્યકર્તાઓનો પરિશ્રમ મારી સૌથી મોટી શક્તિ છે -શ્રી નરેન્દ્રભાઇ મોદી
છેલ્લા ૨૫ વર્ષમાં દરેક સંકટ તેમના ધૈર્યની પરીક્ષા બન્યું, સફળતાએ જવાબદારી વધારી અને દરેક સિદ્ધિએ મોટા લક્ષ્ય તરફ આગળ વધવાનું સાહસ શીખવ્યું -શ્રી નરેન્દ્રભાઇ મોદી
‘વી વિલ ડુ ઇટ’ના સામૂહિક નાદ સાથે વિકસિત ભારત ૨૦૪૭, આત્મનિર્ભર ભારત, ભારતને ગ્લોબલ પ્રોડક્શન હબ અને ભારતમાં ઓલિમ્પિકના આયોજન અંગે હુંકાર ભરતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
અગાઉ સંકટ સમયે ભારતની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત થતી હતી, જ્યારે આજે સંકટ સમયે ભારતના સામર્થ્ય અને રિઝિલિયન્સની ચર્ચા થાય છે. અગાઉ પોલિસી પેરાલિસિસની ચર્ચા થતી હતી, જ્યારે આજે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં ચર્ચા થાય છે -શ્રી નરેન્દ્રભાઇ મોદી
ભારત પાસે સપના જોવાની સ્વતંત્રતા પણ છે અને તેને પૂર્ણ કરવાનું સામર્થ્ય પણ છે -શ્રી નરેન્દ્રભાઇ મોદી
દેશની યુવા શક્તિ ભારતના ભવિષ્યની સૌથી મોટી તાકાત છે -શ્રી નરેન્દ્રભાઇ મોદી
જેને કલ્પનાથી પરે સમજવામાં આવતું હતું તેવી સિદ્ધિઓ ભારતે હાંસલ કરી છે -શ્રી નરેન્દ્રભાઇ મોદી
રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ, રાષ્ટ્ર સમૃદ્ધિનું લક્ષ્ય અને ૨૦૪૭ સુધી વિકસિત ભારતનું નિર્માણ એ જ જીવનનું ધ્યેય છે -શ્રી નરેન્દ્રભાઈ મોદી
સંઘર્ષથી સંકલ્પ, સંકલ્પથી સિદ્ધિ અને જનસેવાથી રાષ્ટ્રસેવાની ૨૫ વર્ષની અવિરત યાત્રામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવાને જીવનનો ધ્યેય બનાવી દેશના ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને કેન્દ્રમાં રાખીને વિકાસની નવી દિશા આપી છે – શ્રી નીતિન નવીનજી
આજનો દિવસ ભારતના સૌ નાગરિકો અને ભાજપાના લાખો કાર્યકર્તાઓ માટે અવિસ્મરણીય દિવસ છે – શ્રી નીતિન નવીનજી
આજે સમગ્ર દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સેવા અને સમર્પણની યાત્રાને નમન કરી રહ્યો છે અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા તેમના દીર્ઘ, યશસ્વી અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યો છે
– શ્રી નીતિન નવીનજી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં





ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે આજે જાહેરજીવનમાં અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થતાં સેવા અને સમર્પણની આ ઐતિહાસિક યાત્રા અંતર્ગત આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અન્વયે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અવિરત જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ને સંબોધન કર્યું હતું, જેનું ગુજરાત સહિત દેશભરમાં જિલ્લા અને મહાનગરોમાં યોજાયેલા કાર્યક્રમોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી ઉપસ્થિત રહ્યાં હતાં.

‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે કાર્યક્રમમાં સહભાગી થયા હતાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન બાદ દેશભરમાં વિવિધ સ્થાનોએ આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા સેવા જ્યોતના પ્રજ્જવલન બાદ સેવા જ્યોતિ યાત્રાનો પ્રારંભ થયો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે વિચાર્યું નહોતું કે ક્યારેય આ સમય પણ આવશે. આજે હેડ ઓફ ધ ગવર્મેન્ટના રૂપમાં સતત સેવા કરતા ૨૫ વર્ષ પૂર્ણ થયા. તેમણે આ ૨૫ વર્ષની યાત્રાને જનતાજનાર્દનના સતત આશીર્વાદનું પરિણામ ગણાવી દેશની જનતાના ચરણોમાં શીશ નમાવીને નમન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન વિધાનસભા અને લોકસભાની અનેક ચૂંટણીઓ યોજાઈ અને દેશની જનતાએ હંમેશા તેમને સેવા માટે પસંદ કર્યા છે. તેમણે ભારતના લોકતંત્ર અને ભારતીય બંધારણને પણ વંદન કર્યું હતું. સાથે જ ‘સેવા જ્યોતિ યાત્રા’માં ભાગ લેનાર સૌ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે તેમણે શ્રી વિનાયક મંદિરમાં દર્શન કરી પરમાત્મા સમક્ષ દેશ માટે અને ૧૪૦ કરોડ ભારતવાસીઓ માટે પ્રાર્થના કરી હતી. તેમણે પોતાના માટે પણ પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, “પરમાત્મા મને એટલી શક્તિ અને સામર્થ્ય આપે કે હું મારા દેશ માટે વધુ ઊર્જા સાથે કામ કરી શકું.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આજે હું જે પણ છું, જ્યાં પણ છું, જે જવાબદારી પર છું તેમાં સૌથી મોટું યોગદાન જનતાજનાર્દનનું જ છે. મારા માટે જનતાજનાર્દન જ ઈશ્વરનું રૂપ છે. લાખો-કરોડો દેશવાસીઓનો વિશ્વાસ અને લાખો કાર્યકર્તાઓનો પરિશ્રમ પોતાની સૌથી મોટી શક્તિ ગણાવતા કહ્યું હતું કે, દેશે મને ખૂબ આપ્યું છે એટલે દેશ માટે મારી જવાબદારી પણ સૌથી વધુ છે.
વડનગરની શાળાના દિવસોને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બાળપણથી જ શીખવાની ધગશ તેમના જીવનનો હિસ્સો બની ગઈ હતી અને આજે પણ તેઓ પોતાને એક વિદ્યાર્થી જ માને છે. તેમણે કહ્યું હતું કે, રોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરું છું. તેમણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું કે તેમની શીખવાની શક્તિ ક્યારેય ઓછી ન થાય, કારણ કે તેઓ જેટલું શીખશે એટલી જ દેશ માટે કંઈક કરવાની શક્તિ વધશે.
૨૫ વર્ષની યાત્રા તરફ પાછા વળીને જોતા માત્ર કૃતજ્ઞતાનો ભાવ અનુભવાતો હોવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જીતાડનારાઓએ વિનમ્ર બનતા શીખવ્યું, પછાડનારાઓએ ફરી ઊભા થતા શીખવ્યું, શુભચિંતકોએ પ્રોત્સાહન આપ્યું અને આલોચકોએ આત્મચિંતન કરતાં શીખવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક સંકટ તેમના ધૈર્યની પરીક્ષા બન્યું, સફળતાએ જવાબદારી વધારી અને દરેક સિદ્ધિએ મોટા લક્ષ્ય તરફ આગળ વધવાનું સાહસ શીખવ્યું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, તેમના જીવનમાં કોઈ ઘટના વ્યર્થ ગઈ નથી. મોરબીના પૂરે મને દિવસ-રાત સેવાકાર્યોમાં કામ કરવાનો રસ્તો બતાવ્યો, ભૂજના ભૂકંપે મને પુનર્નિર્માણ માટે કામ કરતાં શીખવ્યું, ચંદ્રયાને અસફળતામાંથી ફરી ઊઠતાં શીખવ્યું અને કોરોના મહામારીએ મને રાષ્ટ્રની સામૂહિક ચેતનાનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું હતું કે, જીવનના દરેક અનુભવથી નીતિઓમાં સંવેદનાનો માર્ગ મળ્યો છે. ગામડા અને ગરીબ વ્યક્તિએ શીખવ્યું છે કે સાધન-સંપત્તિ ભલે સીમિત હોય, પરંતુ સપના મોટા હોવા જોઈએ અને આત્મવિશ્વાસ બુલંદ હોવો જોઈએ.
દેશની સાંસ્કૃતિક શક્તિ અને રાષ્ટ્રસેવામાં મળેલા કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોના સહયોગને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, દેશની સેવા કરતી વખતે તેમને ક્યારેય એકલાપણું અનુભવાયું નથી. તેમણે કોટિ-કોટિ સ્વયંસેવકો અને કાર્યકર્તાઓને નમન કરતાં જણાવ્યું હતું કે, માનવતાની સેવા અને દીન-દુઃખીની સેવા તેમનું કર્મ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજનો દિવસ યાદો માટે નથી, આપણા સંકલ્પને નવી ઊર્જાથી ભરવાનો દિવસ છે. ૨૫ વર્ષની યાત્રાને માત્ર ભૂતકાળની યાદો સાથે જોડવાને બદલે ભવિષ્યના સંકલ્પ સાથે જોડવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે દેશવાસીઓનો જોશ એક જ સંદેશ આપે છે – “વી વિલ ડુ ઇટ.” તેમણે ‘વી વિલ ડુ ઇટ’ના સામૂહિક નાદ સાથે વિકસિત ભારત ૨૦૪૭, આત્મનિર્ભર ભારત, ભારતને ગ્લોબલ પ્રોડક્શન હબ અને ભારતમાં ઓલિમ્પિકના આયોજન અંગે હુંકાર ભર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, તેમના જીવનનો એક જ ધ્યેય રહ્યો છે, દેશ માટે નિઃસ્વાર્થ કર્મ. ગીતાના સંદેશને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારા માટે કર્મ જ બધું છે, કર્મ જ મારો ધર્મ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કર્મ તેમના માટે માત્ર જવાબદારી નથી, પરંતુ દેશ પ્રત્યે મારી સાધના છે.” પદ, પ્રતિષ્ઠા અને અધિકાર કરતાં ભારતની સેવા કરવાની તકને સર્વોચ્ચ ગણાવતા તેમણે કહ્યું હતું કે, પદ-પ્રતિષ્ઠા ક્યાંય પણ મળી જાય, પરંતુ ભારત જેવી પુણ્ય ભૂમિ નહીં મળે. તેમણે ૨૫ વર્ષની સેવાનું મૂલ્યાંકન પોતે ક્યાં પહોંચ્યા તેના આધારે નહીં પરંતુ દેશ ક્યાં પહોંચ્યો તેના આધારે થવું જોઈએ તેવી વાત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ત્યારે તેમની પાસે સરકાર ચલાવવાનો કે તંત્રની વ્યવસ્થાનો અનુભવ નહોતો, પરંતુ જનતા અને જનશક્તિ પર વિશ્વાસ હતો. તેમણે જનતાને સાથે રાખીને નીતિઓ બનાવવાનો અને તેનો અમલ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. જ્યારે જનતા સાથે હોય તો પરિણામ આવે જ છે, તેમ જણાવતાં તેમણે ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ સંકટ સમયે ભારતની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત થતી હતી, જ્યારે આજે સંકટ સમયે ભારતના સામર્થ્ય અને રિઝિલિયન્સની ચર્ચા થાય છે. અગાઉ પોલિસી પેરાલિસિસની ચર્ચા થતી હતી, જ્યારે આજે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં ચર્ચા થાય છે. આયાત પર નિર્ભરતા સામે આજે નિકાસના નવા રેકોર્ડની વાત થાય છે અને મોબાઇલ ફોન ક્ષેત્રમાં “મેડ ઇન ઇન્ડિયા”ની શક્તિ દેખાઈ રહી છે.
ખેતી ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન ખેતીના વિકાસમાં નોંધપાત્ર ગતિ જોવા મળી છે. તેમણે કહ્યું હતું કે, આ ત્યારે શક્ય બને છે જ્યારે નિયત સાફ હોય અને નીતિ સ્પષ્ટ હોય. સુશાસનનો આધાર “સબકા સાથ, સબકા વિકાસ” હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સુશાસનને સેચ્યુરેશન સાથે જોડવાની વાત કરતાં કહ્યું હતું કે, તમામ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે, કોઈ હકદાર બાકી ન રહે અને કોઈના હક પર કોઈ તરાપ ન મારી શકે તે દિશામાં કાર્ય કરવાનું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ઐતિહાસિક ગૌરવ અને સાંસ્કૃતિક વારસાને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભારતે હજારો વર્ષોથી માનવતાને મૂલ્યોનો પ્રકાશ આપ્યો છે. અનેક આક્રમણો અને ગુલામીના કપરા સમય છતાં ભારતના સંતાનોનું સાહસ ક્યારેય તૂટ્યું નથી અને દરેક વખતે કોઈ ને કોઈ દિગ્દર્શક જન્મ લેતો રહ્યો છે. સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદના ભારતના ભવિષ્ય અંગેના વિચારોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારત પાસે સપના જોવાની સ્વતંત્રતા પણ છે અને તેને પૂર્ણ કરવાનું સામર્થ્ય પણ છે. તેમણે વિકસિત ભારત ૨૦૪૭, આત્મનિર્ભર ભારત, વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં ભારતને સ્થાન અપાવવું, ગરીબી દૂર કરવી અને ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા જેવા મોટા લક્ષ્યોનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એવું ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જ્યાં ટુરિઝમની વાત આવે ત્યારે દુનિયા ભારતનું નામ લે, શિક્ષણ માટે વિશ્વ ભારતને પસંદ કરે, મનોરંજન માટે ભારતની પસંદગી થાય, હેલ્થ એન્ડ વેલનેસમાં ભારત અગ્રેસર બને, સ્પોર્ટ્સમાં ભારત આગળ હોય, ભારત ઇનોવેશનનું હબ બને અને ટેક્નોલોજીમાં ભારતનો ડંકો વાગે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આજે વિશ્વમાં ભારતીય પાયલટની ચર્ચા થાય છે અને એક દિવસ એવો પણ આવશે જ્યારે દુનિયા મેડ ઇન ઇન્ડિયા પ્લેનની ચર્ચા કરશે. તેમણે દેશની યુવા શક્તિને ભારતના ભવિષ્યની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો સમય આરામ કરવાનો નહીં પરંતુ વિચારો અને પરિશ્રમ સાથે આગળ વધવાનો છે. તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં સમસ્યા છે, તેની સામે ૧૪૦ કરોડ સમાધાન છે.
ક્લાઈમેટ એક્શન અને રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં ભારતે સમય પહેલાં પોતાના લક્ષ્યો હાંસલ કર્યા હોવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. તેમણે કલમ ૩૭૦ હટાવવી, નક્સલવાદની સમસ્યા સામેની લડાઈ, આતંકવાદ સામેની કાર્યવાહી અને એક દાયકામાં ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે, જેને કલ્પનાથી પરે સમજી લેવામાં આવતું હતું તેવી સિદ્ધિઓ ભારતે હાંસલ કરી છે.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના સૌ નાગરિકો અને ભાજપાના લાખો કાર્યકર્તાઓ માટે અવિસ્મરણીય દિવસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ અવસરે તેમને કોટિ કોટિ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંઘર્ષથી સંકલ્પ, સંકલ્પથી સિદ્ધિ અને જનસેવાથી રાષ્ટ્રસેવાની આ અવિરત યાત્રામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવાને જીવનનો ધ્યેય બનાવી દેશના ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને કેન્દ્રમાં રાખીને વિકાસની નવી દિશા આપી છે. આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, મહિલા સશક્તિકરણ, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત સહિતની અનેક પહેલો દ્વારા દેશના છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવવાનું કાર્ય થયું છે. કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ, મહાકાલ કોરિડોર, નેશનલ વોર મેમોરિયલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા રાષ્ટ્રીય ગૌરવના કાર્યો સાથે દેશની સુરક્ષા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વિરાસતને નવી ઊંચાઈ મળી છે. આજે સમગ્ર દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સેવા અને સમર્પણની યાત્રાને નમન કરી રહ્યો છે અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા તેમના દીર્ઘ, યશસ્વી અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યો છે.