વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત બનાવવા સૌ સંકલ્પબદ્ધ થઈએ – નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ

રાકેશ વાળા

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બુધવારના રોજ તાપી જિલ્લાના સયાજી ગ્રાઉન્ડ, વ્યારા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા-૨૦૨૬’ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશ માટે આ ગૌરવનો દિવસ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન હેઠળ જનસેવાના કાર્યો થઈ રહ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વી વિલ ડૂ ઈટ’ ના મંત્રને આત્મસાત કરીને દેશનો પ્રત્યેક નાગરિક સાથે મળીને આગળ વધી રહ્યો છે ત્યારે આ વિકાસયાત્રાને વધુ મજબૂત બનાવવા સરકારની સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશને સંપૂર્ણ વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આપણે સૌ એકજૂથ થઈને દ્રઢ સંકલ્પબદ્ધ રીતે કાર્ય કરીશું.

કાર્યક્રમમાં મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને માર્ગદર્શિત થયા હતા, ઉપરાંત, કાર્યક્રમના માધ્યમથી વિકસિત ભારતના સંકલ્પ સાથે જનભાગીદારી અને સેવાભાવનાને વધુ મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

સાથોસાથ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત ગરબા તેમજ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનારા શ્રી તેજદાન ગઢવી અને તેમની ટીમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી, જેને જોઈને ઉપસ્થિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

કાર્યક્રમના અંતે, નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો, સંગઠનના પ્રતિનિધિ-અગ્રણીઓ, અધિકારી-પદાધિકારીઓ, આમંત્રિતો, સંતોએ સેવા જ્યોત પ્રજ્વલ્લિત કરી સેવા જ્યોતિ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા સયાજી ગ્રાઉન્ડથી ઉનાઈ નાકા સર્કલ પહોંચી પૂર્ણ થઈ હતી.

બોક્સ

મુખ્ય કાર્યક્રમ પૂર્વે, પ્રભાતવેળાએ તાપી જિલ્લા સેવા સદન પરિસર ખાતેથી નીકળેલી સાયકલ રેલીએ સમગ્ર તાપી જિલ્લામાં એક નવો ઊર્જાસંચાર કર્યો હતો. જનપ્રતિનિધિશ્રીઓએ આ સાયકલ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જે તાત્યા મામા ભીલ સર્કલ, સરકારી લાયબ્રેરી અને ઉનાઈ નાકા થઈને સયાજી ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. આ સાથે પોલીસની વિવિધ પાંખોના જવાનો, યુવાનો, બાળકો સહિત નાગરિકો સ્વંયભુ પદયાત્રામાં સહભાગી થયા હતા.

આ સાથે જ, સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતેથી પણ મહાનુભાવો દ્વારા બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બાઈક રેલી વ્યારા શહેરમાં પ્રવેશ કરી સયાજી ગ્રાઉન્ડ ખાતે પહોંચતા જ તેનું મહાનુભાવો દ્વારા પુષ્પો વડે સ્વાગત કરાયું હતું.

સયાજી ગ્રાઉન્ડ ખાતે મશાલ તથા પુષ્પોથી શણગારવામાં આવેલી ગુજરાત અને ભારત દેશની મનમોહક રંગોળી સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યાં પ્લેકાર્ડ્સના માધ્યમથી વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંદેશાત્મક અનુભવ થતો હતો, જેમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની ઝાંખી પણ જોવા મળી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, સાંસદશ્રી પરભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા, અગ્રણીશ્રી ઝંખનાબેન પટેલ, ડો. જગદીશભાઈ પટેલ અને શ્રી સુરજભાઈ વસાવા, સુમુલ ડેરીના ચેરમેનશ્રી કાંતિભાઈ ગામીત, હોદ્દેદારો-પદાધિકારીઓ, આમંત્રિતો, સંત-મહંતો અને તાપી જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અને સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મીઓ, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *