જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ: સોમનાથમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબહેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્ર સેવાના 25 વર્ષના ઉપલક્ષમાં સોમનાથ ખાતે કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રી નિમુબહેન બાંભણિયાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રભાસપાટણના સદભાવના મેદાન ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રી નિમુબહેન બાંભણિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે સેવા જ્યોતિ પ્રગટાવી વિવિધ ત્રણ ‘સેવા જ્યોતિ રથ’નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વેરાવળ શહેર તથા વેરાવળ ગ્રામ્ય તાલુકાને આવરી લેતા રથ નં.1 સાથે મંત્રીશ્રી સહિતના મહાનુભાવો સદભાવના મેદાન થી સોમનાથ મંદિર પાર્કિંગ સુધી પગપાળા સામેલ થયા હતાં.

આ સાથે જ ઉના-કોડિનાર-સૂત્રાપાડા તાલુકાને આવરી લેતા રથ નં.2 સદભાવના મેદાનથી એ.પી.એમ.સી. કાજલી સુધી,તાલાલા-ગીરગઢડા તાલુકાને આવરી લઈ રથ નં.3 સદભાવના મેદાનથી સરોવર પોર્ટિકો સુધીની ‘સેવા જ્યોતિ રથ’ યાત્રા યોજાઈ હતી. જેમાં અધિકારીઓ-પદાધિકારીઓ અને નાગરિકો જોડાયાં હતાં.

‘સેવાના રંગ, રાષ્ટ્રના રંગ’ અંતર્ગત જિલ્લાકક્ષાની સામૂહિક રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને રૂ.15000 અને દ્વિતિય ક્રમે વિજેતાને રૂ.10000 અને વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીને રૂ.5000 અને દ્વિતિય ક્રમે વિજેતાને રૂ.3000નું પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.

પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીથી તા. 07 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ થી પ્રધાનમંત્રી બનવા સુધીની સફર વર્ણવી ‘મેક ઈન ઈન્ડિયા’, ‘ચંદ્રયાન’, ‘કોરોનાકાળ’, ‘યોગ કર્મશુ કૌશલમ્’ સહિતના મુદ્દાઓને આવરી લઈ દેશભરના નાગરિકોને સંબોધન કર્યું હતું. જેનું જીવંત પ્રસારણ સભાસ્થળ ખાતે કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી, મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકો દ્વારા વર્ષ 2047 સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ અર્થે ‘વિકસિત ભારત@2047’નો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા ગાયક શ્રી હેમંત જોશીએ રાષ્ટ્રભક્તિના ગીતો સાથે દેશભક્તિસભર પ્રસ્તુતી કરી હતી. આ ઉપરાંત તેમણે ઝડપી હનુમાન ચાલિસા તેમજ ભગવાન સોમનાથને અર્પિત આધ્યાત્મિક ગીતોની પ્રસ્તુતિ કરી હતી.

‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’ના સમાપન બાદ વેરાવળ ખાતે જૂના બાયપાસ પર સાંસદશ્રીના હસ્તે’સેવા જ્યોતિ સર્કલ’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી નરેશભાઈ ગોહેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, અગ્રણી શ્રી ડૉ.સંજયભાઈ પરમાર, ઝવેરીભાઈ ઠક્કર,રાજશીભાઈ જોટવા, કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી જયદિપસિંહ જાડેજા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *