ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોકમેળાનો પ્રારંભ

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકમેળાઓમાં આગવું સ્થાન ધરાવતા અને લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક ગણાતા વૌઠાના ઐતિહાસિક લોકમેળાનો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે પવિત્ર સપ્તનદીના સંગમ સ્થાને ભવ્ય પ્રારંભ થયો છે. ધાર્મિક આસ્થા, વર્ષો જૂની પરંપરા, પશુવેપાર અને લોકમનોરંજનનો અનોખો સંગમ ગણાતો આ મેળો ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. તા. ૨૫ નવેમ્બર સુધી વૌઠા ગામમાં લોકસંસ્કૃતિ, ભક્તિ અને મેળાની અનોખી રોનક જોવા મળશે.

મેળાનો ઉદ્ઘાટન સમારોહ ખેડાના સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વૌઠા મેળા મેદાનમાં યોજાયો હતો. આ સમારોહમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વૌઠાનો મેળો તેના અનોખા પશુબજાર માટે સમગ્ર દેશમાં જાણીતો છે, જ્યાં ખાસ કરીને રંગબેરંગી શણગાર સજાવેલા ગર્દભ અને ઊંટની મોટા પાયે લે-વેચ થાય છે. મેળામાં ઊભી થયેલી તંબુઓની નગરી, ચકડોળ, વિવિધ રાઇડ્સ, લોકડાયરા, ભજન મંડળીઓ અને પરંપરાગત ખાણીપીણીના સ્ટોલ્સ ગ્રામીણ જીવનના ઉત્સાહને જીવંત બનાવે છે.

શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ સુરક્ષિત અને આનંદમય રીતે આ લોકઉત્સવનો લ્હાવો લઈ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્ય, સુરક્ષા વ્યવસ્થા અને વધારાની એસ.ટી. બસોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાના શુભારંભમાં અમદાવાદ જિલ્લા પંચાયત તેમજ ધોળકા નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *