ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત રહ્યા વિશેષ ઉપસ્થિત

હારીજ ખાતે શ્રી હારીજ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.પી. એન્ડ એસ.એન.એસ. હાઈસ્કૂલના સનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ શિક્ષક ડૉ. દશરથજી વાઘજી ઠાકોર સાહેબના વયનિવૃત્તિ નિમિત્તે એક ભાવભર્યો સન્માન અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતની ખાસ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસાગર સ્વામીજી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિક્ષકશ્રીને તેમની વર્ષોની નિષ્ઠાપૂર્વકની શૈક્ષણિક સેવાઓ બદલ સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત અને મૂલ્યોનું સિંચન કરનાર સાચા ઘડવૈયા છે. ડૉ. દશરથજી ઠાકોર સાહેબે પોતાની દીર્ઘ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં આપેલું યોગદાન સદાય સ્મરણીય રહેશે.તેમણે ડૉ. ઠાકોર સાહેબના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.આ સમારંભમાં પ્રદેશ યુવા મોરચા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લાના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, શાળા પરિવારના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
