વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે જાપાનના સફળ પ્રવાસ બાદ ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજે દક્ષિણ કોરિયા પહોંચ્યું છે. દક્ષિણ કોરિયાનું ‘દેગુ’ (Daegu) શહેર દેશનું અગ્રણી અને પ્રમુખ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હબ માનવામાં આવે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ ડેલિગેશને દેગુ સ્થિત ‘કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ (KTDI) ખાતે આયોજિત ‘ગુજરાત–કોરિયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કો-ઓપરેશન રાઉન્ડટેબલ’ બેઠકમાં ભાગ લીધો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાતની ઓળખમાં ટેક્સટાઇલ વણાયેલું છે. કપાસના ખેતરોથી લઈને સ્પિનિંગ મિલો સુધી, અને અમદાવાદના ડેનિમથી લઈને સુરતના સિન્થેટિક ફેબ્રિક્સ સુધી—ગુજરાત ‘ફાર્મ ટુ ફાઇબર, ફેક્ટરી ટુ ફેશન અને ફોરેન માર્કેટ્સ’ સુધીની સમગ્ર વેલ્યુ ચેઇનને એક તાંતણે જોડે છે. ભારતનું અંદાજે ત્રીજા ભાગનું મેન-મેડ ફાઇબર ઉત્પાદન અને લગભગ ૬૫% ડેનિમ ઉત્પાદન એકલું ગુજરાત પૂરું પાડે છે. કોરિયા પાસે અદ્યતન ટેકનોલોજી, એડવાન્સ્ડ ફાઇબર્સ અને પરફોર્મન્સ મટિરિયલ્સની ઉત્કૃષ્ટ કુશળતા છે, જ્યારે ગુજરાત પાસે વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન છે. કોરિયાનું ઇનોવેશન અને ગુજરાતનું સાહસિક કૌશલ્ય સાથે મળીને વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી શકે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “નવસારી ખાતે આશરે ૧,૧૪૨ એકરમાં આકાર લઈ રહેલો ‘પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક’ (PM MITRA Park) સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ અને ગારમેન્ટિંગ સહિતના સમગ્ર ઇકોસિસ્ટમને એક જ છત્ર હેઠળ લાવશે, જે કોરિયન કંપનીઓ માટે સહયોગ અને રોકાણનું એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, હજીરા પોર્ટ અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની ઉત્તમ કનેક્ટિવિટી આ પાર્કને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવે છે. અમે કોરિયન ઉદ્યોગસાહસિકોને માત્ર ઔપચારિક આમંત્રણ આપવા નથી આવ્યા પરંતુ તેમની જરૂરિયાતો સાંભળીને આગળ વધવા ઉત્સુક છીએ. આવો, ગુજરાતની મુલાકાત લો અને ઇનોવેશન તેમજ સસ્ટેનેબલ ગ્રોથ સાથે ભારત–કોરિયા મૈત્રીનો એક નવો અધ્યાય સાથે મળીને વણીએ.”
આ વિશેષ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાત અને દક્ષિણ કોરિયાના ટેક્સટાઇલ ક્ષેત્ર, ખાસ કરીને ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તકનીકી આદાનપ્રદાન, વ્યાપારી સહયોગ અને સંભવિત રોકાણોની તકો શોધવાનો હતો.

આ બેઠકની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીશ્રી અને ડેલિગેશને KTDIના અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પાઇલટ ફેસિલિટીઝ તથા ટેસ્ટિંગ અને એનાલિસિસ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ‘યંગવન કોર્પોરેશન’ ના પ્રેસિડેન્ટ શ્રી જે-યોંગ પાર્કે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સિયોલ સ્થિત ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી નિશિકાંત સિંઘે પ્રારંભિક વક્તવ્ય આપી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.
ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રીમતી મમતા વર્માએ ગુજરાતના સમૃદ્ધ ટેક્સટાઇલ ઉદ્યોગ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુકૂળ નીતિઓ અને કોરિયન કંપનીઓ માટે સહયોગની ઉજ્જવળ તકો અંગે પ્રભાવશાળી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મુખ્ય વક્તવ્ય આપતાં ટેક્સટાઇલ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ધરાવતા દેગુ શહેરના અગ્રણી ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા તેમજ ગુજરાતમાં રોકાણ અને સંયુક્ત સાહસો સ્થાપવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતનું ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ કોરિયાની અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડાઈને પરસ્પર વિકાસના નવા દ્વારા ખોલશે. બેઠકમાં ઉપસ્થિત કોરિયન ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક ઉત્પાદકો સાથે પ્રશ્નોત્તરી તથા પરસ્પર સહયોગ અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ રાઉન્ડટેબલ બેઠકમાં ગુજરાત સરકાર વતી ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, નાણા વિભાગના સંયુક્ત સચિવ (બજેટ) શ્રી અરવિંદ વી.,…