
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ અત્યાધુનિક અને સચોટ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલી માધ્યમ દ્વારા વડનગરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા પાટણના ધારપુર ખાતેની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નવીન MRI સિસ્ટમનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની કુલ ૧૪ હોસ્પિટલોમાં ૧૭૮ કરોડ રૂપિયાના ખર્ચે MRI મશીનો મંજૂર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આજના સમારોહમાં બંને મહત્વપૂર્ણ હોસ્પિટલોમાં આ સુવિધાનું જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જન્મભૂમિ વડનગર અને ઐતિહાસિક ભૂમિ પાટણ ખાતે આ સુવિધા શરૂ થવાથી ઉત્તર ગુજરાતના નાગરિકોને હવે સચોટ નિદાન માટે દૂરના શહેરો સુધી લંબાવું નહીં પડે. વડનગરની હોસ્પિટલ વર્ષ ૨૦૧૭થી મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત સેવાઓ આપી રહી છે, ત્યારે હવે ત્યાં સ્થાપિત કરવામાં આવેલી ‘વાઈડ બોર્ડ, AI-એનેબલ્ડ અલ્ટ્રા હાઈ પરફોર્મન્સ ૧.૫ ટેસ્લા MRI સિસ્ટમ’ દ્વારા મગજ, કરોડરજ્જુ, કેન્સર અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું ચોક્કસ નિદાન શક્ય બનશે. આ આધુનિક મશીનરીથી દર્દીઓનો સમય અને મુસાફરીનો ખર્ચ બચશે તેમજ વહેલી સારવાર શરૂ કરી શકાશે.
નવીન MRI સિસ્ટમની વિશેષતાઓ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે જૂના પ્રકારના MRI મશીનોમાં સાંકડી જગ્યાને કારણે દર્દીઓને ગભરામણ એટલે કે ક્લોસ્ટ્રોફોબિયા થતો હોય છે. તેના નિવારણ માટે અહીં ૭૦ સેન્ટીમીટરની મોટી જગ્યા ધરાવતા ‘વાઈડ બોર્ડ’ મશીનો સ્થાપિત કરાયા છે. આ ટેકનોલોજી બાળકો, વૃદ્ધો અને વધુ વજન ધરાવતા દર્દીઓ માટે અત્યંત આરામદાયક સાબિત થશે. સીમેન્સ કંપનીની આ અદ્યતન AI ટેકનોલોજી દ્વારા રિપોર્ટિંગ ઝડપી અને વધુ સચોટ બનશે. ખાનગી કેન્દ્રોમાં જે MRI તપાસનો ખર્ચ ૩,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા સુધી થતો હોય છે, તે સેવા હવે અહીં સરકારી નિયમો અને PM-JAY યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહતદરે ઉપલબ્ધ થશે.

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલની મહત્વતા સ્પષ્ટ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ પાટણ જિલ્લાની ૧૩.૫ લાખની વસ્તી ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. દરરોજ અંદાજે ૧૦૦૦ થી ૧૨૦૦ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલમાં દર મહિને ૧૫૦ થી ૨૦૦ દર્દીઓને MRI તપાસની જરૂરિયાત રહે છે. SRESTHA-G કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ થયેલું આ મશીન ધારપુરના ૭૭૦ બેડના વિશાળ સિવિલ સેટઅપને વધુ આત્મનિર્ભર બનાવશે. આ ઉપરાંત, ધારપુર હોસ્પિટલે આઈ બેંક, કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ સર્જરીઓમાં જે સિદ્ધિઓ મેળવી છે, તેમાં આ નવું સોપાન ઉમેરાતા તબીબી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પણ પ્રેક્ટિકલ તાલીમમાં મોટી મદદ મળશે.
આ વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વડનગર ખાતે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલ સહિત સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ વિદ્યાર્થીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. મંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા વડાપ્રધાનશ્રીના ‘સ્વસ્થ ભારત’ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી.