
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થવા ઉપરાંત સાંજે ઘાટલોડિયા મતવિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરે દર્શન કરીને શ્રી અમિતભાઈના દીર્ઘાયુષ્ય, સ્વાસ્થ્ય અને યશસ્વી ભવિષ્ય માટે આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માં બાલા બહુચરની વિશેષ પૂજા અને આરતી ઉતારી હતી.
આ ભવ્ય આરતીમાં અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી દિનેશ મકવાણા, ધારાસભ્ય સર્વેશ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રી અમિતભાઈ પી. શાહ, ડૉ. હર્ષદ પટેલ, શ્રી અમિત ઠાકર, શ્રી જિતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમૂલ ભટ્ટ, ડૉ. હસમુખ પટેલ, શ્રી દિનેશ કુશવાહા, શ્રીમતી કંચનબહેન રાદડિયા, રાજકીય અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, અમ્યુકોના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ઘાટલોડિયા અને સોલા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. મહાનુભાવો સહિત ઉપસ્થિત લોકોએ હાથમાં દીવા સાથે આરતી ઉતારીને શ્રી અમિતભાઈ શાહ માટે માતાજી પાસેથી આશીર્વાદ લીધા હતા.