ભીડ નહીં, બંધારણ: લોકતંત્રના નામે અરાજકતા ફેલાવતા વિપક્ષને જનતાનો જવાબ -મિતેષભાઈ પટેલ (બકાભાઈ), સાંસદ, આણંદ લોકસભા

ભારતનું લોકતંત્ર કોઈ પક્ષની જાગીર નથી અને કોઈ ભીડની દયા પર ટકેલું પણ નથી. તે 140 કરોડ નાગરિકોના વિશ્વાસ અને બંધારણની મજબૂત પાયાની વ્યવસ્થા પર ઊભું છે. તેમ છતાં આજે દેશ એક વિચિત્ર દૃશ્ય જોઈ રહ્યો છે. જે વિપક્ષને જનતાએ વારંવાર મતદાન દ્વારા નકાર્યો છે, તે હવે મતદાનની પ્રતિષ્ઠા પર જ પ્રહાર કરી રહ્યો છે. જનાદેશ સ્વીકારવાની હિંમત ન હોય ત્યારે શેરી પર ઊતરીને “વોટ ચોરી” ના નારા લગાવવા એ વિરોધ નથી, એ હારની હતાશાનું પ્રદર્શન છે.
દિલ્હીમાં તાજેતરમાં વિપક્ષી ગઠબંધનના નેતાઓએ કરેલા પ્રદર્શનો આ જ માનસિકતાનું ઉદાહરણ છે. મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણનો હેતુ મૃત, સ્થળાંતરિત અને બેવડી નોંધણી ધરાવતા નામો દૂર કરીને સાચા મતદારનો અધિકાર સુરક્ષિત કરવાનો છે. જેને શુદ્ધ મતદાર યાદીથી ડર લાગે, તેની નિષ્ઠા પર પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે. આ જ વિપક્ષી પક્ષો જે રાજ્યોમાં જીતે છે ત્યાં એ જ ચૂંટણી વ્યવસ્થા અને એ જ ઈવીએમને સાચાં માને છે, અને જ્યાં હારે છે ત્યાં તેને ચોરી ગણાવે છે. આ બેવડાં ધોરણો જનતા સારી રીતે સમજે છે. જો ખરેખર કોઈ ગેરરીતિના પુરાવા હોય, તો ચૂંટણી પંચ અને અદાલતના દરવાજા ખુલ્લા છે. પુરાવા રજૂ કરવાને બદલે માત્ર નારાબાજી અને રસ્તા રોકવાથી શંકાનું વાતાવરણ ઊભું કરવું એ જવાબદાર વિપક્ષનું નહીં, બેજવાબદાર રાજકારણનું લક્ષણ છે.
બંધારણની નકલ હાથમાં લઈને ફરતી કોંગ્રેસે ખબર જ હશે કે, બંધારણની ભાવનાને સૌથી મોટો ઘા તેમણે જ 1975માં માર્યો હતો. કટોકટી લાદીને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાયા, અખબારો પર સેન્સરશિપ લાગી અને હજારો લોકોને કોઈ ગુના વગર જેલમાં ધકેલાયા. જે પક્ષે લોકતંત્રનું ગળું ઘોંટ્યું હતું, તે આજે લોકતંત્રનો ઉપદેશક બનીને ફરે એ ઇતિહાસની સૌથી મોટી વક્રતા છે. વિદેશી મંચો પર જઈને ભારતની સંસ્થાઓ અને કરોડો લોકોના વિચારધારાકીય પરિવારને બદનામ કરવો, અને પછી ભારતમાં લોકતંત્ર બચાવવાની વાતો કરવી, એમાં દેશપ્રેમ નહીં પણ રાજકીય સગવડ દેખાય છે. દેશનો મતદાર આવા પ્રયત્નોને પરદેશમાં નહીં, ભારતની મતપેટીમાં જવાબ આપે છે.
વિપક્ષની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની પાસે ન કોઈ સ્પષ્ટ નીતિ છે, ન વિકાસનો નકશો, ન સર્વમાન્ય નેતૃત્વ. જે ગઠબંધન પોતાના જ નેતાના મુદ્દે એકમત ન થઈ શકે, જેના ઘટક પક્ષો પરિવારવાદ અને સ્વાર્થની રાજનીતિમાં ડૂબેલા હોય, તે દેશને સ્થિર નેતૃત્વ કેવી રીતે આપશે? બીજી તરફ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશે ડિજિટલ ઈન્ડિયા, સીધા લાભ હસ્તાંતરણ, જન ધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત, હર ઘર નળ અને મજબૂત માળખાકીય વિકાસ દ્વારા લોકતંત્રને ખરા અર્થમાં છેવાડાના માણસ સુધી પહોંચાડ્યું છે. લોકતંત્રનું સાચું માપ એ છે કે ગરીબને પોતાનો હક વચેટિયા અને ભ્રષ્ટાચાર વગર મળે છે કે નહીં, અને આજે એ ખુલ્લું સત્ય છે કે મળે છે.
યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ તો વિપક્ષની સૌથી ખતરનાક રમત છે. પડોશી દેશોમાં થયેલી અશાંતિનાં ઉદાહરણ આપીને ભારતના યુવાનોને અરાજકતાનું સ્વપ્ન બતાવવું એ દેશના ભવિષ્ય સાથે ચેડાં છે. ભારતનો યુવાન સ્ટાર્ટઅપ, અવકાશ વિજ્ઞાન, રમતગમત અને નવીનતામાં દેશનું નામ રોશન કરી રહ્યો છે, તેને પથ્થર અને પોકારની રાજનીતિમાં ધકેલવાની કોશિશ સફળ નહીં થાય. ભારત નેપાલ કે બાંગ્લાદેશ નથી. અહીં સત્તા પરિવર્તન ભીડથી નહીં, મતદાનથી થાય છે અને એ જ આપણા લોકતંત્રની મહાનતા છે.
અંતે, સંસદ, અદાલત, ચૂંટણી પંચ અને સ્વતંત્ર પ્રેસ ભારતના લોકતંત્રના સ્તંભ છે અને આ સ્તંભોને નબળા પાડવાના દરેક પ્રયાસનો જવાબ જનતા વારંવાર આપતી આવી છે. વિપક્ષ માટે હજી સમય છે કે તે નકારાત્મકતા, ભ્રમ અને અરાજકતાની રાજનીતિ છોડીને રચનાત્મક વિરોધનો માર્ગ અપનાવે. નહીં તો જનતાનો ચુકાદો સ્પષ્ટ છે: દેશ ભીડ સાથે નહીં, બંધારણ અને વિકાસ સાથે ઊભો છે.