
લોકગાયક જીગ્નેશ કવિરાજના સુરીલા કંઠે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, હજારો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં માતાજીની આરતી અને ગરબાની રમઝટ

સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ભવ્ય ‘રાસોત્સવ 5.0’ નવરાત્રી મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો.આ નવરાત્રી મહોત્સવમાં સિદ્ધપુરના લોકલાડીલા ધારાસભ્ય અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત પરિવાર સાથે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે તેમણે મા જગદંબાની પૂજા-આરતીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને ઉત્સવની રંગત બમણી કરી હતી.આ કાર્યક્રમમાં ગુજરાતી સંગીત જગતના લોકપ્રિય કલાકાર શ્રી જીગ્નેશ કવિરાજે પોતાના સુરીલા અવાજ અને ધમાકેદાર પર્ફોર્મન્સથી સમગ્ર માહોલને સંગીતમય બનાવી દીધો હતો. તેમના તાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઝૂમ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ નવરાત્રી મહોત્સવ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મા જગદંબા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. તેમણે આ ઉત્સવ ઉત્તરોત્તર વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.આ ભવ્ય કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી, રજિસ્ટ્રારશ્રી, તમામ ડીનશ્રીઓ, અધિકારીઓ, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રી પર્વની ભક્તિમય ઉજવણી કરી હતી.