નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની સેમિફાઇનલ મેચ નિહાળી
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રોમાંચક મુકાબલામાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું

બાંગ્લાદેશને હરાવીને ભારતીય પુરુષ કબડ્ડી ટીમે કર્યો ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ
અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની સેમિફાઇનલ મેચમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભારત અને બાંગ્લાદેશની પુરુષ ટીમો વચ્ચે યોજાયેલી રોમાંચક સેમી ફાઇનલ મેચ નિહાળી હતી તથા ભારતીય ટીમનું ઉત્સાહવર્ધન કર્યું હતું.ટૂર્નામેન્ટમાં પોતાની સફર પૂરી કરનારી બાંગ્લાદેશની ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને મેચ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલ મેચમાં ભારતીય પુરુષ ટીમે બાંગ્લાદેશને 56-27થી હરાવીને ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ અગાઉ ભારતીય મહિલા કબડ્ડી ટીમ પણ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. આમ, ભારતીય મહિલા અને પુરુષ બંને કબડ્ડી ટીમોએ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની ફાઈનલમાં પ્રવેશ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે.
