સમગ્ર નવસારી જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવની ભવ્ય ઉજવણીઃ

નાણા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ચીખલી ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી:
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪ મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા :
નવસારી જિલ્લાના ૧.૩૦ લાખ ખેડુતોના ખાતામાં રૂા.૨૬.૧૦ કરોડની સહાય જમા
દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય : ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડની સહાયનો લાભ અપાયો :
ખેડૂતોને આર્થિક સધ્ધરતા અને ખેતીને પ્રોત્સાહન આપતી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના બની આશીર્વાદરૂપ:
નવસારી જિલ્લામાં ૬૦ સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયાઃ
ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસના હેતુથી અમલી પી.એમ. કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામેથી ૨૪મા હપ્તાની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે નવસારી જિલ્લાના ૧.૩૦ લાખ ખેડુતોમાં સહાયની રકમ જમા થઈ હતી. સમગ્ર દેશમાં હપ્તા પેટે ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય તથા ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ અવસરે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે રાજ્યના નાણા મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં
પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે ૨૪ કલાક વીજળી, કૃષિ મહોત્સવ, કૃષિ રથ દ્વારા ગામેગામ કૃષિલક્ષી માર્ગદર્શન, સોઇલ હેલ્થ કાર્ડ અને ટપક સિંચાઈ જેવી અનેકવિધ પહેલ કરવામાં આવી છે. સાથે જ ઉદ્યોગોના વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાત, આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, જનધન યોજના અને આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા સર્વાંગી વિકાસને વેગ આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષ દરમિયાન રૂ. ૬,૦૦૦ની સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે, જેનાથી ખેડૂતોને ખેતીલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવામાં આર્થિક ટેકો મળે છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં યોજનાના ૨૩ હપ્તા મારફતે ૧.૩૦ લાખથી વધુ ખેડૂતોને રૂ.૨૬.૧૦ કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્યપાલશ્રી દ્વારા પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનાજ કેન્દ્રો અને તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી.
આ અવસરે મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેડૂતોએ બનાસકાંઠાથી વડાપ્રધાનશ્રી મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી નિરાલીબેન નાયક, જિલ્લા પ્રભારી સચિવશ્રી આદ્રા અગ્રવાલ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, અગ્રણીશ્રી ભુરાભાઈ શાહ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.