જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: બારડોલી ખાતે પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની અધ્યક્ષતા તથા જીલ્લા મહામંત્રી જગદીશ પારેખ અને ઉપપ્રમુખ ભાવેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી સંપન્ન

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ, શૌર્યગાથા અને વિકાસની ગાથા ઉજાગર થઈ
શહીદોના બલિદાનને યાદ કરી ‘વિકસિત ભારત અને ગુજરાત’ના નિર્માણમાં યોગદાન આપવા પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈનો અનુરોધ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈની પ્રેરક અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહાનુભાવોએ બિરસામુડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારી ગજેન્દ્રભાઈએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું.
જીલ્લા મહામંત્રી જગદીશ પારેખે ભગવાન શ્રી બિરસા મુંડાજીનું પ્રેરણાદાયી જીવન ચરિત્ર રજુ કરી જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષના ટૂંકા જીવનમાં ભગવાન બિરસા મુંડાએ જળ જંગલ અને જમીનની રક્ષા માટે અંગ્રેજો સામે મહાસંગ્રામ લડીને અદમ્ય સાહસ અને બલિદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વર્તમાન સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યા છે, જેના પરિણામે આદિવાસી સમાજ આજે શિક્ષણથી લઈને રોજગાર, આરોગ્યથી આત્મનિર્ભરતા અને પરંપરાથી આધુનિક વિકાસ સુધીના ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે.હતું.
જનજાતિ ગૌરવ દિવસ સમારોહના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મહાનુભાવોની શૌર્યગાથા માત્ર પુસ્તકો પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેને આપણા જીવનમાં ઉતારીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું જરૂરી છે. તેમણે જનજાતિ સમાજના ગૌરવ, સંસ્કૃતિ અને સ્વાભિમાનને વધુ મજબૂત બનાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નના ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં સૌને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે આદિવાસી અસ્મિતા અને સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શૈક્ષણિક અને ખેલકૂદ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અને કુશળ રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘જનજાતીય ગૌરવ દિવસ’ના રાષ્ટ્રીય સંબોધવાનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.
આ અવસરે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગજેન્દ્ર પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ નિલમબેન વ્યાસ, મુખ્ય અધિકારી મિલનભાઈ પલસાણા, પ્રાંત અધિકારી રશ્મિબેન, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર, જીલ્લા મહામંત્રી જગદીશ પારેખ, ઉપપ્રમુખ ભાવેશ પટેલ, હળપતિ સમાજના આગેવાન રમણભાઈ હળપતિ, જીલ્લા પંચાયત સભ્ય નૈષધ રાઠોડ, બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ મયુર રાઠોડ, ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ યશ્વીબેન પટેલ, સંગઠન પ્રમુખ ડો. આનંદ પટેલ, કૃણાલ પટેલ, અભિષેક નાયક, આદિવાસી સમાજના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.