આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વડનગર જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી: મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે કર્યો “નમો મૈત્રી સંવાદ”

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આજે વડનગર ખાતેની જી.એમ.ઈ.આર.એસ (GMERS) જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવાઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળતી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કાર્યક્રમના ભાગરૂપે તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વડનગર મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ‘નમો મૈત્રી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત સીધો સંવાદ સાધ્યો હતો. આ પ્રેરણાદાયી સંવાદ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થી સમાજનો લાડકો દીકરો કે દીકરી છે, જેમણે પોતાની સખત મહેનત દ્વારા આ પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. મંત્રીશ્રીએ ભાવિ તબીબોને શિખામણ આપતા કહ્યું હતું કે અભ્યાસ કે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય ટેન્શન લેવું જોઈએ નહીં. મનને શાંત રાખવું અને વિચારધારાને સકારાત્મક રાખવી એ જ જીવનમાં સાચી સફળતા અને પરમાનંદ મેળવવાની ગુરુચાવી છે.

પોતાના વક્તવ્યમાં શ્રી પાનસેરીયાએ ભારતીય સંસ્કૃતિ અને કર્મના સિદ્ધાંત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વ્યક્તિએ કરેલું કોઈપણ કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે બીજાનું ભલું કરવાથી અને સન્માન આપવાથી હંમેશા સારા પરિણામો પ્રાપ્ત થાય છે, જ્યારે કોઈને દુઃખ પહોંચાડવાથી ક્યારેય કોઈનું કલ્યાણ થતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સાચી સફળતા માત્ર ડિગ્રી, વ્યવસાય કે ભૌતિક સુખ-સુવિધાઓમાં નથી, પરંતુ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલી ખુશી અનુભવે છે તેના પર નિર્ભર છે.

અંતમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના આત્મસાત કરી સમાજ અને સહપાઠીઓ પ્રત્યે સૌહાર્દપૂર્ણ વ્યવહાર રાખવા આહ્વાન કર્યું હતું. તેમણે ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયના મહત્વને સમજાવતા કહ્યું હતું કે ગીતાના સારને સમજવાથી જીવનની અનેક મુશ્કેલીઓ આપોઆપ શમી જાય છે અને વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ બની શકે છે. પરીક્ષામાં આવતી અડચણો કે નિષ્ફળતાથી ડર્યા વગર તેનો શાંતિથી સામનો કરવાની સલાહ આપતા મંત્રીશ્રીએ તમામ મેડિકલ વિદ્યાર્થીઓ પર ગર્વ વ્યક્ત કરી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

આ મુલાકાત દરમિયાન મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના તબીબી અધિક્ષક તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *