વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગરની પવિત્ર ભૂમિ પર શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ની આજે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આધ્યાત્મિક ઉર્જા અને વૈદિક પરંપરાથી સભર આ પવિત્ર અવસરે મહાયજ્ઞના અંતિમ દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. મંત્રોચ્ચારના ગુંજારવ અને ભક્તિમય વાતાવરણમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણાહુતિ સમયે સહભાગી થઈ જગદગુરુ શંકરાચાર્યજીના પાવન આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

સમગ્ર વડનગર પંથકમાં આ મહાયજ્ઞને પગલે એક વિશેષ આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં જોડાઈને રાજ્ય અને રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે ભગવાન હાટકેશ્વર મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી ગુજરાતની જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે મંગલ પ્રાર્થના કરી હતી. ઐતિહાસિક નગરીમાં આયોજિત આ આધ્યાત્મિક મહોત્સવથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, વિજાપુર ધારાસભ્ય શ્રી સી.જે.ચાવડા, બેચરાજી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા, અગ્રણી સર્વે શ્રી ગીરીશભાઈ રાજગોર, શ્રી નટુજી ઠાકોર, વડનગર નગરપાલિકા શ્રીમતી મીતિકાબેન શાહ, જિલ્લા કલેકટર ડૉ હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષિલ મીણા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી અને પદાધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *