મેળો માત્ર આનંદનો ઉત્સવ નથી, આપણી પરંપરાઓને જીવંત રાખતો અમૂલ્ય વારસો છે – ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપુત

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરની આગવી ઓળખ સમાન, વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા કાર્તિક પૂર્ણિમા લોકમેળાનું સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.

ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપુતે લોકમેળાનું ઉદ્ઘાટન કરી નગરજનો માટે ખુલ્લો મૂક્યો હતો અને ઉપસ્થિત સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ મેળા સાથે અનેક પેઢીઓની યાદો, બાળપણનો આનંદ, પરિવારજનોનો સ્નેહ અને આપણી સંસ્કૃતિની સુવાસ જોડાયેલી છે.

સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પરંતુ સિદ્ધપુરના આ પરંપરાગત લોકમેળા પ્રત્યેનો લોકોનો પ્રેમ અને ઉત્સાહ આજે પણ અકબંધ છે.મેળાની ખુશીઓ માત્ર મુલાકાતીઓ સુધી જ નહીં, પરંતુ રોજીરોટી માટે મહેનત કરતા નાના વેપારીઓ સુધી પણ પહોંચે તેવા ઉમદા હેતુથી નાના વેપારીઓ અને ફેરિયાઓને વિનામૂલ્યે પાસ આપવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી નાના ધંધાર્થીઓને વેપાર કરવાની સરળ તક મળશે અને સ્થાનિક રોજગારી તથા આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.

આપણી સાંસ્કૃતિક ધરોહરને સાચવતા અને સામાન્ય માનવીના હિતને કેન્દ્રસ્થાને રાખતા આ લોકમેળાનું સુંદર આયોજન કરવા બદલ સિદ્ધપુર નગરપાલિકાની સમગ્ર ટીમને ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપુતે હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા .

આ પ્રસંગે સંતશ્રીઓ, સાંસદ સભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી ચેરમેન, તાલુકા અને શહેર ભાજપ મહામંત્રીશ્રી, જિલ્લા મંત્રીશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ, યુવા મોરચા અને મહિલા મોરચા, સંગઠનના હોદ્દેદારો, વેપારીઓ, આગેવાનો અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
