ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે બાબાસાહેબની પ્રતિમાને કર્યા પુષ્પાંજલિ

ભીમ ચોક સ્થિત ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ. ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌએ લીધો સંકલ્પ

સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ સિદ્ધપુરના ભીમ ચોક સ્થિત ભારતરત્ન પરમ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પરિસર ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અભિયાનમાં સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌ પ્રથમ ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ કાર્યકરો સાથે મળીને પ્રતિમા અને આસપાસના સમગ્ર પરિસરની સાફ-સફાઈ કરી હતી.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “વિશ્વના સૌથી મોટા લોકતંત્રને શ્રેષ્ઠ બંધારણ આપનાર મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડવા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા આપણે સૌ કટિબદ્ધ છીએ. સ્વચ્છતા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.”આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકા પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન, અનુસૂચિત મોરચાના હોદ્દેદારશ્રીઓ, પાટણ જિલ્લા ભાજપ મંત્રીશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાબાસાહેબના સંવિધાન અને સમાનતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો અને સિદ્ધપુરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
