
ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે દિવાળી અને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર જે-તે વિસ્તારના ધારાસભ્યોના નેતૃત્વમાં સ્નેહમિલન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, વાપી ખાતે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાપી મહાનગરપાલિકા ના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,ધરમપુર ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,નૂતન વર્ષના મંગલમય અવસરે કાર્યકરો વચ્ચે આત્મીયતા, પરસ્પર વિશ્વાસ અને સંગઠનની એકતાને વધુ સુદૃઢ બનાવવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમોમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા
વલસાડ જિલ્લામાં વિધાનસભા મુજબ આયોજનની વિગતો
પારડી વિધાનસભા: રાજ્યના નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વી.આઈ.એ. (VIA) ગ્રાઉન્ડ, વાપી ખાતે સ્નેહમિલન યોજાયું હતું
વલસાડ વિધાનસભા: ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા દાદિયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો
ઉમરગામ વિધાનસભા: ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર દ્વારા સાંસ્કૃતિક હોલ, ધોડીપાડા ખાતે આયોજન કરવામાં આવ્યું
ધરમપુર વિધાનસભા: ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા આરોગ્યમ હોસ્પિટલની પાછળ, રાજમહેલ રોડ સ્થિત ગુરુકૃપા પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાયું
કપરાડા વિધાનસભા: ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા એન. આર. રાઉત હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સંપન્ન થયો
કાર્યક્રમની શરૂઆતમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે યોજાયેલા સ્નેહમિલન સંમેલનનું જીવંત (લાઈવ) પ્રસારણ પણ સૌએ સાથે મળીને નિહાળ્યું હતું. જિલ્લાભરના કાર્યકરોમાં આયોજનને લઈને અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો