મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના વિધાનસભા મતવિસ્તારમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના ૧૪૦મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
‘મન કી બાત’ની ૧૪૦મી કડીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ગૌરવવંતી બાબતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વડનગરમાં વિકસાવાયેલા ‘અનંત અનાદિ વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ’માં ઉત્ખનનના સ્તરો નિહાળવાની વ્યવસ્થા સાથે પાંચ હજારથી વધુ પ્રાચીન કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે અને બર્લિનમાં તેને ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ’ મળ્યો છે; તે આ સન્માન મેળવનાર ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે.

વડાપ્રધાનશ્રીએ કચ્છના ઊંટના દૂધમાંથી અમૂલ દ્વારા બનતી ચોકલેટ, કેસર-ફ્લેવર્ડ મિલ્ક અને રાજભોગ આઈસ્ક્રીમ, સરહદ ડેરીમાં ઊંટના દૂધનો દૈનિક સંગ્રહ ૧,૩૦૦ લિટરથી વધીને સાડા પાંચ હજાર લિટર થવા (૨૦૧૭-૧૮ની સરખામણીએ ચાર ગણાથી વધુ), ઊંટના દૂધના નવીન પેકિંગ, દૂધનો પાવડર જેવી બનાવટ અને સ્વાસ્થ્ય લાભો તેમજ સુરતની ‘શ્મિટન ચોકલેટ’ સહિત ચોકલેટ-કોકો નિકાસમાં આશરે ૨૫ ટકા વૃદ્ધિ અને સ્ટાર્ટઅપ્સના નવા ફ્લેવર્સની સરાહના કરી હતી.
વડાપ્રધાનશ્રીએ ‘નશા મુક્ત યુવા અભિયાન’ અને પુનર્વસન કેન્દ્રની સારવારથી નશામુક્ત બનેલા યુવા સાથીના સંવાદનો ઉલ્લેખ કરતાં યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારી કર્મચારીઓને ‘iGOT કર્મયોગી’ પ્લેટફોર્મ પર નવું શીખવા, નાગરિકોને ૨૩ ભાષામાં ઉપલબ્ધ ‘સંચાર સાથી’ દ્વારા ખોવાયેલા મોબાઈલ બ્લોક કરાવવા-મેળવવા અને ફ્રોડ નંબર રિપોર્ટ કરવા તેમજ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં દિલ્હીમાં શરૂ થનારા ‘ઈન્ડિયા બિયેનાલે’ અને મ્યુઝિયમોની મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો. સાથોસાથ તેમણે ખાવામાં તેલનો ઉપયોગ ૧૦ ટકા ઘટાડીને મેદસ્વિતા સામે સજાગ રહેવા અને નિયમિત વ્યાયામ કરવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ ‘ફિટ ઈન્ડિયા’ હેઠળ ‘સન્ડે ઓન સાયકલ’ની ૧૦૦ આવૃત્તિઓ, ૨૦૩૨ની પૂણે યુસીઆઈ રોડ વર્લ્ડ ચેમ્પિયનશિપ, ફૂટબોલ ટીમની ૧૦મી સાફ ચેમ્પિયનશિપ, લક્ષ્ય સેન અને પી.વી. સિંધુની સફળતા તેમજ ૧૧થી ૨૨ ડિસેમ્બર દરમિયાન તેલંગાણાના છ શહેરોમાં યોજાનાર ૮મા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ પટનાના બિહાર મ્યુઝિયમની વૈશ્વિક સિદ્ધિ, તમિલનાડુના ઈરોડનો ઓર્ગેનિક પલયમાચરા ગોળ યુરોપ પહોંચવા, વેનિસ આર્ટ બિયેનાલેમાં ભારત પેવેલિયનને સર્વશ્રેષ્ઠ પસંદગી, કેનેડામાં ‘સાંઈ ધામ ફૂડ બેંક’ અને કોમ્યુનિટી રેડિયો સેવાકાર્યની પ્રશંસા કરી હતી તથા ૨૯ નવેમ્બરે શોભા સિંહજીની ૧૨૫મી જયંતિ નિમિત્તે સ્મારક સિક્કો બહાર પાડવાનો ઉલ્લેખ કર્યો હતો તથા ૩૦ નવેમ્બરે શ્રી બી.એન. રાવની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના બોડકદેવ વોર્ડમાં યોજાયેલ ‘મન કી બાત’ના ૧૪૦મા એપિસોડના જીવંત પ્રસારણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, દસક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ સહિત સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.