નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા માટે પોતાના જીવના જોખમે પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત

રાજ્યભરમાં કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી કડક હાથે કરવા વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે ૫૦ ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત છે તેમજ અત્યાર સુધીમાં કુલ ૧૨,૫૬૩ પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા છે. હાલ ૩,૧૪૪ કેસ એક્ટિવ, ૮૮ હોસ્પિટલાઈઝ કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત પોલીસે ઉત્તમ પ્રકારની કામગીરી કરી હોવાનું અને ૮૬ ટકા પોલીસ અધિકારી-કર્મચારીઓએ રસી લીધી હોવાનું ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું હતું. તેમણે રાજયના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની ફરજનિષ્ઠાને બિરદાવી અભિનંદન આપતા કહ્યું હતું કે માનવીની જીંદગી બચાવવા માટે સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ડોનેટ સહિતની બેસ્ટ પ્રેક્ટિસિસ દ્વારા પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બની છે. નાગરિકોએ ખાખીની ખુમારી પણ જોઈ છે અને આ મહામારીમાં ખાખીની સંવેદના પણ અનુભવી છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે અને દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત છેલ્લા એક વર્ષથી અવિરતપણે પ્રજાની પડખે ઉભી રહી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ પોતાના જીવની પરવાહ કર્યા સિવાય જીવના જોખમે અવિરતપણે સેવાઓ આપી છે. જેના પરિણામે સમાજ જીવનમાં પોલીસની છબિ સાચા પોલીસ મિત્ર તરીકે ઉભરી આવી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં મીની લૉકડાઉન અને નાઈટ કર્ફ્યૂ સહિતની કામગીરીની કડક અમલવારી માટે સવા લાખથી વધુ જવાનો ખડેપગે રહ્યા અને કોવિડ ગાઈડલાઈન મુજબ લદાયેલા પ્રતિબંધોની અસરકારક અમલવારી માટે રાજ્યમાં ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ SRPF કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ GRD જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત કરાયા છે એટલું જ નહીં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં અને નાગરિકો સુરક્ષિત રહે તે હેતુસર માસ્ક ન પહેરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી-કાળાબજારી અને નકલી ઈન્જેક્શન બનાવતા તત્વો સામે સઘન કામગીરી કરી ૩૨ ગુનાઓ દાખલ કરાયા છે, ૧૦૩ આરોપીઓ પૈકી ૯૨ની ધરપકડ કરાઇ છે તથા રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો છે.
ગાંધીનગર ખાતે કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી માનવીય અભિગમ સાથે અસરકારક રીતે કરવા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જયારે તમામ રેન્જ આઈજીપીશ્રી, કમિશનરશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને સેનાપતિશ્રીઓ આ વીડિયો કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા હતા.
બેઠકના પ્રારંભે કોરોનાથી સંક્રમિત થયા બાદ જીવ ગુમાવનાર ફ્ર્ન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી-કર્મચારીઓના દુખદ નિધન સંદર્ભે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ આપવામાં આવી હતી.