ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમા કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારુ ગામ, કોરોના મુકત ગામ’ મુહીમની ચાવીરૂપ ભૂમિકા આપતા વનમંત્રી ગણપતસિંહ વસાવા :
કાળઝાળ ગરમીમા ડાંગ જિલ્લાના વન વિસ્તારોના “કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” ની શ્રેણીબદ્ધ મુલાકાત લેતા મંત્રી: ગ્રામ્ય સમિતિઓને આપ્યુ ઉપયોગી માર્ગદર્શન
આહવા: સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો ધરાવતા કે નહિવત કોરોના પોઝિટીવ દર્દીઓ ગામના ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’મા જ આઇસોલેશનમા રહે તે માટે ગામના અગ્રણી વડીલો જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસરત રહે તે જરૂરી છે, તેમ રાજ્યના વન, આદિજાતિ વિકાસ, અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ હતુ.

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ તૈયાર કરાયેલા “કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ”મા જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરતી મળે તે માટે જે તે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પાયાકીય વ્યવસ્થાઓ ગોઠવવામા આવી છે. જેની જાતમુલાકાત લઈ ઉપયોગી માર્ગદર્શન આપતા વસાવાએ, છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ અને તબીબી સેવાઓ પહોચાડી કોરોના મુકત ગામનો સંકલ્પ પાર પાડવાનો પણ સૌને અનુરોધ કર્યો છે.
‘મારુ ગામ, કોરોના મુકત ગામ’ મુહીમની ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમા કોઇ પણ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય, અને લોકો ફરજિયાત માસ્ક પહેરતા થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમા કોરોનાના કેસો વધતા અટકાવી શકાશે એમ પણ તેમણે તેમની ગ્રામીણ વિસ્તારની મુલાકાત દરમિયાન ઉમેર્યું હતું.
મંત્રીએ આ અભિયાનને વધુ વ્યાપક ફલક પર વિસ્તારવા તેમજ હેલ્થ સબ સેન્ટર્સ, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આરોગ્ય સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમણના નિયંત્રણ માટે દરેક ગામમા અવિરત મળતી રહે તે હેતુસર હાથ ધરાયેલી કાર્યવાહીથી સૌને અવગત કરાવ્યા હતા.
ગણપતસિંહ વસાવાએ જિલ્લા/તાલુકા કક્ષાએ ટીમો બનાવી ગામડાઓમા ‘મારુ ગામ, કોરોના મુકત ગામ’ અભિયાન હેઠળ ઉભા કરાયેલા CCCC (કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર) ની મુલાકાત લઇને ત્યા રહેવા, જમવા, પૂરતા પ્રમાણમા દવાઓનો જથ્થો, પીવાના શુધ્ધ પાણી, અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓની ચોકસાઇ કરવાના આદરાયેલા કાર્યક્રમની વિગતો આપી હતી.
છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ, અને તબીબી સેવાઓ પહોચાડી મુખ્યમંત્રીશ્રીના ‘કોરોના મુકત‘ ગામના સંકલ્પને આપણે પાર પાડવો છે, તેમ જણાવતા મંત્રીએ અત્યારે દરેક ગામમા મર્યાદિત સંખ્યામા, અથવા તો નહીવત કોરોના પોઝીટીવ દર્દીઓ છે. આવી વ્યકિતઓ જો પોતાના ઘરમા લોકોની સાથે જ રહેશે, તો સંક્રમણ ફેલાવાની ભીતી રહેશે. આથી આવી કોરોના સંક્રમિત તમામ વ્યકિતઓને CCCC ખાતે આઇસોલેટ કરવામા આવે તો સંક્રમણ વધતુ અટકાવી શકાશે. દર્દીના પરિવારજનોની સુરક્ષા અને ગામના લાભ માટે આવા દર્દીઓ CCCC ખાતે શીફટ થાય તે પ્રકારની જાગૃતિ લાવવા માટે ગામના આગેવાન, વડીલોના પ્રયાસો માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો.
મંત્રીએ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ‘મા રહેલા ગ્રામજનો સાથે તેમના પરીવારજનોની પણ આરોગ્ય તપાસ થાય, અને અન્ય કોઇ પરિવારજનમા સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેને પણ તકેદારી રૂપે આઇસોલેટ કરવામા આવે તે અંગેનુ માર્ગદર્શન આપ્યુ હતુ.
જરૂરતમંદ વ્યક્તિઓને સ્ટાન્ડર્ડ દવાઓની કિટ મળી રહે તથા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમા તેમના બી.પી. ઓકસીજન લેવલ વિગેરેની પણ તપાસ થાય, અને જરૂર જણાયે સારવાર માટે આરોગ્ય કેન્દ્રોમા વેળાસર રિફર કરવામા આવે તેમ પણ મંત્રીએ સૂચન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ થયેલા ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ અભિયાન અન્વયે અત્યાર સુધીમા ડાંગ જિલ્લામા કુલ ૮૩ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧૨૪૨ બેડની ક્ષમતા સાથે ઊભા કરી દેવાયા છે.
જે પૈકી આજે વનમંત્રીએ વઘઇ, સાકરપાતળ, બોરખલ, સેવાધામ-આહવાની રૂબરૂ મુલાકાત લીધી હતી.મંત્રીની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ દશરથભાઈ પવાર, કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા, નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, જુદા જુદા ગામોના સરપંચો, અગ્રણી ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ -અમરનાથ જગતાપ ડાંગ

