મિનિમમ લોસ, ઝીરો કેઝ્યુલિટી’ સાથે ડાંગ જિલ્લો તાઉ’તે ના તાપથી મહદઅંશે સુરક્ષિત

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: ગુજરાતને ઘમરોળતા તાઉ’તે વાવાઝોડાની વનપ્રદેશ એવા ડાંગ જિલ્લામા નહિવત અસર જોવા મળી હતી.

‘મિનિમમ લોસ, ઝીરો કેઝ્યુલિટી’ ના સંકલ્પ સાથે આગોતરા આયોજન, વ્યવસ્થાને પગલે ડાંગ જિલ્લામા તાઉ’તે થી સદનસીબે એક પણ માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ થયુ નથી.

તાઉ’તે થી ડાંગ જિલ્લાના પ્રજાજનોના જાનમાલને વધુ નુક્શાન ન થાય તે માટે જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાની રાહબરી હેઠળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા તથા સમગ્ર ડાંગ પ્રશાસને એકજુટ થઈને આ આપદા ને પહોંચી વળવાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સંદેશા વ્યવહાર, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠા સહિતની આવશ્યક સેવાઓ કોઈ પણ હાલતમા પ્રભાવિત ન થાય તેની તકેદારી સાથે ચુનંદા અધિકારીઓની ટીમોને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા, અને રાહત બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવામા આવી હતી. જેને પગલે ડાંગ જિલ્લામા નાનામોટા નુકશાન સિવાય તાઉ’તે ની તબાહીમાંથી જિલ્લાના પ્રજાજનો મહદઅંશે ઉગરી જવા પામ્યા છે.

તાઉ’તે ના કારણે ત્રીસેક જેટલા ઘરોના છાપરા, પતરા ઉડી જવાના છૂટપુટ બનાવો સાથે એકાદ સ્થળે ઘરવખરી, અને એક ગાડીને નુકશાન થવા પામ્યુ છે.

ગત તા.૧૪ થી ૧૯ મેં, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લામા તાઉ’તે ઇફેક્ટને કારણે વાવાઝોડા સાથે સરેરાશ ૮ મી.મી. વરસાદ પણ નોંધાયો હતો. જેને કારણે ડાંગ જિલ્લાના કુલ ૩૧૧ ગામો પૈકી એક પ્રાથમિક અંદાજ મુજબ ૩૦ જેટલા ગામોમા તાઉ’તે વાવાઝોડાને કારણે થયેલા નુકશાન ઉપરાંત, જિલ્લામા ૨૫ જેટલા વીજ પોલ, અને ૧૭ જેટલા વીજ તારને પણ નુકશાન થયુ હતુ. જેને લઈને ૭૨ ગામોમા વીજ પુરવઠો ખોરવાયો હતો. જે સંદર્ભે વીજ વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરીને આ તમામે તમામ ૭૨ ગામોમા વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દીધો છે.

આ ઉપરાંત જિલ્લામા કોઈ પણ માર્ગને કે વૃક્ષોને મોટુ નુકશાન થવા પામ્યાના અહેવાલ નથી.

આમ, તાઉ’તે ના તાપ થી ફરજનિષ્ઠ જિલ્લા પ્રશાસનની રાઉન્ડ ધ ક્લોક સતર્કતા, અને કુદરતના આશિર્વાદને પગલે ડાંગ જિલ્લો મહદઅંશે સલામત અને સુરક્ષિત રહેવા પામ્યો છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *