તાઉ-તે વાવાઝોડાની અસરથી મહીસાગર જિલ્લાના ૧૬૪ ગામોમાં વીજપુરવઠાની અસર થવા પામી હતી ૩૦,૦૦૦ વીજગ્રાહકોને અસર પહોંચી હતી: વીજળીવેગે કામ કરી વીજપુરવઠો પૂર્વવત કરાયો
ખોરવાયેલ વીજપુરવઠો માત્ર ૨૪ કલાકમાં જ પૂર્વવત કરાયો
લુણાવાડા :: તાઉ-તે વાવાઝોડાની આમ, તો મહીસાગર જિલ્લામાં નહીવત અસર થવા પામી હતી. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ વિવિધ સુચારૂ વ્યવસ્થાઓના કારણે સમગ્ર જિલ્લામાં જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલ નથી. તેમ છતાં વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયેલ હતો, જેના કારણે મહીસાગર જિલ્લાના ૧૬૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમજ ૫૦ જેટલા વિજ થાંભલાઓ પડી ગયા હતા જયારે ૧૧૫ વિજ ફિડરને નુકસાન થયું હતું. પરંતુ વાવાઝોડા સંદર્ભે કોઈપણ સ્થિતિનો સામનો કરવા જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડની આગેવાની તથા મહીસાગર-લુણાવાડાની એમ.જી.વી.સી.એલ.ની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર
શ્રી આર. જી. શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ક્વિક રીસ્પોન્સ ટીમોએ માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ સમારકામ કરીને તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી કાબિલેદાદ કામગીરી કરી પોતાની ફરજો અદા કરી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
આ અંગેની વધુ વિગતો આપતા એમ..જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર શ્રી આર. જી. શાહે કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે મહીસાગર જિલ્લાના ૧૬૪ ગામોને અસર થવા પામી હતી. જે પૈકી તમામ ગામોમાં ૨૪ કલાકની અંદર સમારકામ કરીને વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.
તાઉ-તે વાવાઝોડાથી ૧૧૫ વીજ ફીડરોને અસર થવા પામી હતી તે તમામ ફીડરો ગણતરીના કલાકો એટલે કે પાંચ(૫) થી ૬ (છ) કલાકની અંદર સમારકામ કરીને તમામ ફીડરો કાર્યરત કરી વીજપુરવઠો યથાવત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ એચ.ટી./એલ.ટી. લાઇનના આશરે ૫૦ જેટલા વીજ થાંભલા પડી ગયા હતા જે વીજ થાંભલા નવા નાંખીને વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.
તાઉ-તે વાવાઝોડાના કારણે જિલ્લાની કુલ ૧૯૩ કિલોમીટર એચ.ટી. લાઇનોને અને ૧૦૪ કિલોમીટર એલ.ટી. લાઇનોને પણ નુકશાન થવા પામ્યું હતું. જેના કારણે જિલ્લાના ૩૦,૦૦૦ જેટલા વીજ ગ્રાહકોને વીજ પુરવઠાની અસર થવા પામી હતી. જેને પણ ગણતરીના સમયમાં રીપેર કરીને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. આગોતરા આયોજન મુજબ એમ..જી.વી.સી.એલ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્વિક રીસ્પોન્સ ટીમો યુદ્ધના ધોરણે ઉપરોક્ત તમામ સ્થળોએ વિષમ પરિસ્થિતિમાં પણ કામે લાગી હતી અને વીજપુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી ટૂંકા ગાળામાં જ તમામ ગામોમાં વીજપુરવઠો પુનઃ કાર્યરત સફળતા પૂર્વક કરવામાં આવ્યો છે.



