સોલા સિવિલ હોસ્પિટલમા કોવિડ દર્દીઓ માટે સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓનું ઉમદા કાર્ય

કોરોના સેવાયજ્ઞમાં ૧૬ જેટલા નવયુવાનોનું ગૃપ કોરોના વોર્ડમા હુંફાળું વાતાવરણ પુરૂ પાડે  છે

કોરોના મહામારી સામેની લડતમાં સરકારની સાથે-સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. અને સતત કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઉમદા કાર્ય કરી રહી છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ કોવિડ દર્દીઓ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ કપરા સમયમાં એક બીજાને મદદરૂપ  થવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. એવા ઉમદા વિચારધારા સાથે અમદાવાદના ૧૬ જેટલા યુવાન-યુવતીના ગૃપ તરફથી કોરોના થયેલ દર્દીઓ માટે સેવા કરવી છે તેવો મક્ક્મ નિર્ધાર કર્યા બાદ એક પહેલનાં ભાગરૂપે ‘’પ્રયાસ’’ એક્ટ ફાઉન્ડેશન (Alliance Contriving Transformation Foundation) બનાવવામાં આવ્યું.

            સોલા સિવિલના આરોગ્યકર્મીઓ સાથે જોડાઈને કોવિડના દર્દીઓને મદદરૂપ થવા અને કોરોના વોર્ડમા હકારાત્મક અને હુંફાળું વાતાવરણ પુરો પાડવાના ધ્યેય સાથે એક્ટ ફાઉન્ડેશનમા કાર્યરત સેવાભાવી યુવાન-યુવતીઓ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓને સવારે પૌષ્ટિક નાસ્તો, જ્યુશ, તથા પીવાના પાણીની બોટલ પુરી પાડવામાં આવે છે. ઉપરાંત દાખલ થયેલ કોવિડ દર્દીઓને વોર્ડમા હકારાત્મક વાતાવરણ મળી રહે તે હેતુથી તેમને વાંચન કરવા માટે પ્રેરણાદાયી પુસ્તકો આપવામાં આવે છે. બિમાર દર્દીઓ માટે સંગીત એ મન મષ્તિકને શાંત કરતું ઉત્તમ માધ્યમ છે તેથી વોર્ડમા કોરોનાના વિચારો દૂર થાય અને હુંફાળું વાતાવરણ ઉભુ થાય તે માટે દરરોજ સંગીત વગાડવામાં આવે છે. તદુપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને કપડા અને જીવન જરૂરી પ્રાથમિક વસ્તુઓ પણ સંસ્થા તરફથી પુરી પાડવામાં આવે છે.

સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતિક બચાણી કહે છે કે અમારો ઉદ્દેશ છે કે તબીબોની સારવાર સાથે સાથે સંક્રમિત દર્દીઓને પ્રોત્સાહનરૂપી સકારાત્મક વાતાવરણ મળી રહે અને તેઓ જલ્દીથી સાજા થઈને તેમના પરિવારજનો પાસે જઈ શકે.

એક્ટ ફાઉન્ડેશન દ્વારા દરરોજ ૨૦૦ જેટલા ફૂડ પેકેટ અને નાસ્તો તથા પાણીની બોટલ સોલા સિવિલમાં આપવામાં આવે છે. યુવા ગૃપના સભ્યો દ્વારા જાતે જઈને દરેક દર્દીઓને નાસ્તો આપવામાં આવે છે.  

સોલા સિવિલમા એક્ટ ફાઉન્ડેશન સાથે શરણમ ફાઉન્ડેશન અને વી વીલ હેલ્પ યુ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા પણ મદદ પુરી પાડવામાં આવે છે. કાર્યરત તમામ સંસ્થાઓની દેખરેખ સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો.પીનાબેન સોની, અને RMO  ડો.પ્રદીપભાઈ પટેલ કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *