
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં કૉરોનાના સંક્રમણ વચ્ચે અનેક વચ્ચે અનેક લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે તો ઘણાં લોકો કૉરોના સામે જંગ હારી ગયા છે. અરવલ્લી જિલ્લામાં કૉરોનાને કારણે પૉલિસ અધિકારીનું નિધન થતાં પૉલિસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. મોડાસા ટાઉન પૉલિસ મથકે CPI શાખામાં ASI તરીકે ફરજ બજાવતા કિરિટસિંહ કુંપાવત પણ કૉરોના સામે જંગ હારી જતાં પૉલિસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી મોડાસા અને ત્યારબાદ હિંમતનગરમાં સારવાર ચાલતી હતી ત્યારે હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કૉરોના સામેની જંગ હારી ગયા. કિરિટસિંહ કુંપાવતના નિધનના સમાચાર આવતાની સાથે જ ટાઉન પૉલિસ મથકે સન્નાટો છવાઇ ગયો અને તમામ લોકો કિરિટસિંહના નિધનના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યા હતા. તેમના નિધનના સમાચારને લઇને જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી તો મોડાસા ટાઉન પૉલિસ મથકે પીઆઇ જે. પી. ભરવાડ સહિત તમામ કરામચારીઓએ બે મિનિટનું મૌન પાડી કિરિટસિંહ કુંપાવતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સમયના ચુસ્ત પાલનહાર અને બોલવામાં આગવી છટા છરાવતા કિરિટસિંહ કુંપાવત મોડાસા ટાઉન પૉલિસ મથકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ સ્વભાવે નિખાલસ હતા કે, કોઇપણ કર્મચારી તેમની વાતને નકારતો નહીં અને માનભેર સ્વાકારતા. સમગ્ર રાજ્યમાં કૉરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જિલ્લામાં પૉલિસ બેડમાં પ્રથન પૉલિસ કર્મચારીના નિધનથી તમામની આંખોમાં તેમની યાદો છલકાયેલી જોવા મળી હતી.
:- કિરીટસિંહની કારકિર્દીની શરૂઆત
કિરિટસિંહ વર્ષ 1990માં પૉલિસ ભર્તી પાસ કરી પૉલિસમાં જોડાયા હતા. તેમનું પ્રથમ પૉસ્ટિંગ મેઘરજ હતું અને ત્યારબાદ તબક્કાવાર મોડાસા ગ્રામ્ય, ટાઉન, શામળાજી, હિંતનગર, ગાંભોઇ સહિતના પૉલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. મોડાસા ટાઉન પૉલિસ મથકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત હતા. વર્ષોનો અનુભવ નવા પૉલિસ કર્મચારીઓ માટે મદદરૂપ સાબિત થતો અને તેઓ માર્ગદર્શક પણ બવતા હતા. પણ હવે તેમની યાદો મોડાસા ટાઉન પૉલિસ મથકે યાદગીરી રૂપે બની ગઇ છે.
સ્વભાવે નિખાલસ એવા કિરિટસિંહ
કિરિટસિંહ આજે ભલે સાથી પૉલિસ મિત્રોની વચ્ચે નથી પણ તેમની બોલવાની છટા હંમેશા યાદ રહેશે. તેમના સાથી મિત્રો જણાવે છે કે તેઓ બોલવામાં હંમેશા અવ્વલ રહેતા હતા કોઇપણ વિષય અથવા તો એક શબ્દ પર વાત કરે તો સાંભળતા જ રહી જવાય. કોઇ પૉલિસ સ્ટેશનમાં નાના-મોટા કાર્યક્રમમાં એનાઉન્સ માટે તેમને જ બોલાવવામાં આવતા હતા. બોલવાની નિખાલસતા હવે હંમેશા માટે સ્તબ્ધ થતાં સૌકોઇની આંખો છલકાઇ ગઇ છે.
મોટી જવાબદારી પણ સરળતાથી પાર પાડતા
ટાઉન પૉલિસ મથકે ASI તરીકે કાર્યરત કિરિટસિંહના માથે મોટી જવાબદારી હોય તો પણ સરળતાથી તેને પાર પાડતા હતા. પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીનો બંદોબસ્ત હોય તો પણ સરળતાથી અને અનુભવના આધારે તેઓ આવા જટિલ કામને પાર પાડતા હતા. મોટા બંદોબસ્તમાં નોકરી વહેંચણીની કામગીરી નિષ્ઠાથી નિભાવતા હતા અને કોઈપણ અડચણ વિના આવા જટિલ કામને તેઓ સરળ બનાવતા હતા.
:- જિલ્લામાં કુલ 168 પૉલિસ કર્મચારીઓ કૉરોના સંક્રમિત
અરવલ્લી જિલ્લામાં કૉરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું ત્યારે વર્ષ 2020માં લાગુ થયેલા લૉક ડાઉનથી પૉલિસ કર્મચારીઓ કરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા, આવા સમયે જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 168 પૉલિસ કર્મચારીઓ કૉરોના સંક્રમિત થયા છે,જેમાંથી 104 પૉલિસ કર્મચારીઓએ કૉરોનાને માત આપી છે જ્યારે હજુ 63 જેટલા પૉલિસ કર્મચારીઓ સારવાર હેઠળ છે. એટલું જ નહીં સાજા થયેલા પાંચ પૉલિસ કર્મચારીઓએ પ્લાઝમા ડૉનેટ કરી સરાહનીય કામગીરી પણ કરી છે. આ વચ્ચે જિલ્લામાં પ્રથમ પૉલિસ કર્મચારી કૉરોના સામેની જંગ હારી જતાં પૉલિસ બેડામાં ગમગીની છવાઇ છે.

