ગુજરાતમાં ઉના ખાતેથી તાઉતે વાવાઝોડાની એન્ટ્રી નજરે જોનાર એન.ડી.આર.એફ.ના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલા કહે છે ‘તાઉતેથી ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં અમને ઘણું નવું શીખવા મળ્યું’
ઉનામાં એન.ડી.આર.એફ.નું પ્રથમ રેસ્ક્યુ ચાર કલાકથી કાટમાળમાં દટાઈ ગયેલી બે ગાયોને જીવતી બહાર કાઢવાનું હતું- દસ દિવસમાં ૨૫૦૦થી વધુ ધરાશાયી થયેલા વૃક્ષોનું કટીંગ કરીને રસ્તાઓ સાફ કર્યા
ગીર-સોમનાથ તા. -૨૬, તાઉતે વાવાઝોડું ગુજરાતમાં ઉનાના દરિયાકાંઠેથી પ્રવેશ્યું હતું.અંદાજે ૧૩૦થી ૧૫૦ કી.મી ની ઝડપે વરસાદ સાથે વાવાઝોડું ટકરાતા તા.૧૭મી રાત્રે ભારે તારાજી સર્જાઇ હતી પરંતુ રાજ્ય સરકાર -પ્રશાસનની અભૂતપૂર્વ પૂર્વ તૈયારી અને જોખમી વિસ્તારો તેમજ કાચા ઝૂંપડાઓમા રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવતા વાવાઝોડાની ભયાનકતા પ્રમાણે મોટી માનવ જાનહાનિ ઊના પંથકમાં થઈ નથી. ઉનામાં વાવાઝોડું પ્રવેશ્યુ ત્યારે ઉનામાં એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત હતી.
૬-એન.ડી.આર.એફ, વડોદરાની પાંચ ટીમોના ૧૩૦ જવાનો ઉનામાં તા.૧૭મી મેથી રાહત બચાવની કામગીરી કરી રહ્યા છે. દશ દિવસથી ઉનાના શહેરીજનોના રસ્તા પૂર્વવત થઈ જાય એ માટે વહીવટીતંત્ર, નગરપાલિકા તંત્ર સહિતના વિભાગો સાથે સંકલન કરીને એન ડી આર એફ ના જવાનો સેવા યજ્ઞ કરી રહ્યા છે.
ઉનામાં એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલાની રાહબરી હેઠળ ગઈ કાલ તા.૨૫મીએ નવમા દિવસે ઉના ના મુખ્ય રસ્તાઓ સાફ થઈ જતા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મોટા ધરાશાયી થયેલા વૃક્ષો અને અડચણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી.
એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલા અને સમગ્ર ટીમ તા.૧૭મી રાત્રે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે તેઓ ઉનાના માધવબાગના બિલ્ડિંગમાં હતા. તેઓએ કહ્યું કે ૧૭મીએ રાત્રે ૧૦ વાગ્યા પછી પવનની ઝડપ વધતી જતી હતી અને જેમ જેમ સમય પસાર થયો તેમ પવનની ઝડપ વધુ તેજ બની વરસાદ પણ હતો . અમે અમારી નજર સામે વૃક્ષો મૂળમાંથી ફરતા ધરાશાયી જોયા છે. મકાનોના છાપરા પતરા અને અન્ય ચીજ વસ્તુઓ તેમજ વીજ પોલ ધરાશાયી થતા હતા એના મોટા અવાજ પણ સંભળાતા હતા.
તેમણે કહ્યું કે ભૂકંપમાં ઘરથી બહાર નીકળવાનું હોય છે અને વાવાઝોડામાં પાકા મકાનમાં રહેવાનું હોય છે. રાત્રીનો પણ સમય હતો. લોકો પાકા મકાનમાં હતા અને કાચા અને ઝુંપડા વાળા મકાનો હતા ત્યાં સરકારના માર્ગદર્શન હેઠળ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે ચાલુ વાવાઝોડાએ કોઇ રાહત કાર્ય શક્ય ન હતું. વહેલી સવારે પવનની ઝડપ થોડી ઓછી થતા અમે પહેલું કાર્ય ઊનાના પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અને આરોગ્ય આવશ્યક સેવાનુ પ્રશાસન અને વોરરુમ-કંટ્રોલ રૂમ ના અધિકારીઓ જુદાજુદા વિસ્તારમાંથી આવતી મદદની જરૂરિયાત પ્રમાણે જે-તે સ્થળે પહોંચી શકે તે માટે તેમની કચેરીઓથી શહેરમાં જતા રસ્તા ખુલ્લા કરવાનું કાર્ય કર્યું. ત્યાર પછી તા.૧૮મીએ સવારે ઉના પાસે પશુનો શેડ ધરાશાયી થતાં ત્રણ ગાયો કાટમાળ નીચે દટાઈ હતી ત્યાં પહોંચવા માટે ટીમ રવાના થઇ પરંતુ રસ્તામાં વીજળીના તાર અને વૃક્ષો હટાવવા તાબડતોબ કામગીરી કરી અને ત્રણમાંથી બે ગાયને જીવતી બહાર કાઢી. ત્યાર પછી સીમર ગામે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના ૧૦ સિલિન્ડર પહોંચાડવાનું મદદ કાર્ય રસ્તા ઉપર પડેલા દૂર કરીને હાથ ધરવામાં આવ્યું હતું.
એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલાએ વધુમાં કહ્યું કે વર્ષો પછી વાવાઝોડું આવ્યું છે. અગાઉ વાવાઝોડોની આગાહી હતી પરંતુ ૧૯૯૮ પછી ગુજરાતમાં વાવાઝોડું આવેલ નથી. આ વાવાઝોડાની વાવાઝોડાને અમે અને અમારી ટીમે જોયુ છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ બાબતમાં ઘણું નવું શીખવા મળ્યું છે.તા. ૧૫મી મેથી અમારી ટીમ ઉનામાં ખડે પગે હતી. ઉના અને ગીર ગઢડા પંથકમાં વધારે નુકસાન હોવાથી જિલ્લામાં રહેલી બીજી બે ટીમો ને ઉનામાં લાવવામાં આવી હતી અને અન્ય જિલ્લામાંથી વધુ બે ટીમ આવતા કુલ પાંચ ટીમના ૧૩૦ સભ્યો કામ કરી રહ્યા છે. હાલ ઉનાના બધા જ રસ્તા સાફ થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રનો અમને ખૂબ સહયોગ મળ્યો છે. ઉનાના શહેરીજનોએ પણ સહયોગ આપ્યો છે તેમ જણાવ્યું હતું.
ઉનામાં કામ કરી રહેલા એનડીઆરએફના ઇસ્પેક્ટર રાજેશ કુમાર કહે છે કે વાવાઝોડા તીવ્ર અસરને લીધે તમામ રસ્તા પર વૃક્ષો હતા અને વીજળીના થાંભલાના તાર હતા. અમેં પહેલું કાર્ય લોકોના જાનમાલને બચાવવાની અને ત્યાર પછી રસ્તા ખુલ્લા કરવાનું હતું.કટર ની મદદથી આ કાર્ય પણ થયું છે.
એનડીઆરએફની ટીમ માં રહેલા ટીમમાં રહેલા ભરત સોલંકીએ જણાવ્યું હતું કે ઊનામાં ર૫૦૦ થી વધુ વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા- ડાળીઓ પડતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.
ઉનાના પ્રાંત અધિકારી શ્રી ભાવનાબા ઝાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ખાસ કરીને ઊના અને ગીરગઢડા વિસ્તારમાં વધારે અસર થઇ હોય આ વિસ્તારોનુ જનજીવન પૂર્વવત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. આ બધી જ કામગીરીમાં વિવિધ સંબંધિત કચેરીઓ, નગરપાલિકા, અન્ય જિલ્લાની મહાનગરપાલિકાઓ,એનડીઆરએફ, અને સંસ્થાઓનો પણ સહયોગ મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા તંત્રને રાહત બચાવની કામગીરી માટે સીધું જ માર્ગદર્શન આપ્યું છે. પ્રથમ તબક્કામાં જનજીવન પૂર્વવત કરવાનુ અને ત્યાર પછીના ગણતરીના દિવસોમાં સર્વે પૂર્ણ કરી સહાય આપવાની કામગીરી એમ પ્રશંસનીય કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહી છે.




