ઔડાના સહયોગથી રીગ રોડ નીચે છ માર્ગીય અંડરપાસના નિર્માણનુ કામ શરૂ
ગુજરાતમાં ફલાયઓવર,અંડરપાસ અને સર્વીસ રોડ સાથે વિશિષ્ટ પ્રકારનુ નજરાણુ:દૈનિક અઢી લાખ વાહનોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત :ઈધણ સહિત સમયની બચત સાથે સુરક્ષિત મુસાફરી
ખોડિયાર કન્ટેનર પાસેના ઓવરબ્રીજનુ કામ પણ પૂર્ણ જે સત્વરે ખુલ્લો મૂકાશે
વૈષ્ણવદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે કરોનાના કપરા કાળમાં પણ રાજ્યની આર્થિક ગતિવિધિ ચાલુ રહે, લોકોને રોજગારી મળી રહે અને વિકાસના કામો ચાલુ રાખીને નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેને પણ રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યુ છે.વિકાસકામો માટે બજેટમાં જે જોગવાઈ કરી હતી અને જે કામો શરૂ કર્યા હતા તેને અટકવા દીધા નથી અને આજે રૂપિયા ૨૮ કરોડના ખર્ચે ગાધીનગર સરખેજ હાઈવે પર નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે જે આગામી ટૂક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાશે. જેના પરિણામે દૈનિક એક લાખથી વધુ વાહનો અહીથી પસાર થાય છે તે તમામ નાગરિકોના સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે.
આજે ગાંધીનગર સરખેજ હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નીરીક્ષણ કરી સમીક્ષા કર્યા બાદ મિડીયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે, ઔડાના સહયોગથી રીંગ રોડ નીચે પણ છ માર્ગીય અંડરપાસ બનાવવાનુ કામ માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવાયુ છે જે પૂર્ણ થતા ગુજરાતમા ફલાય ઓવર,અંડરપાસ અને સર્વિસરોડ સાથેનુ વિશિષ્ટ નજરાણુ મળશે અને આ કામો પૂર્ણ થતા દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે. આ રસ્તો એરપોર્ટથી સરદારધામ થઈ સૌરાષ્ટ્રને જોડશે જેના પરિણામે સૌરાષ્ટ્ર તરફ જતા નાગરિકોને સરળતા રહેશે. ખોડિયાર કન્ટેનર પાસેના ઓવરબ્રીજનુ કામ પણ પૂર્ણ થયુ છે જે સત્વરે ખુલ્લો મૂકાશે જેના પરિણામે પણ નાગરિકોની અવર જવરની સુવિધામાં વધારો થશે.
તેમણે ઉમેર્યુ કે,અગાઉ પણ ગાધીનગર સરખેજ હાઈવે પર પકવાન ચાર રસ્તા તથા સાણંદ સર્કલ પરના ફલાય ઓવરને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે તથા ઉવારસદ જંકશન પરનો ઓવરબ્રીજ પણ નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે.તેમણે માર્ગ મકાન વિભાગ દ્વારા નીશ્ચિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત વેળાએ માર્ગ મકાન વિભાગના સચિવ શ્રી સંદિપ વસાવા સહિત માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



