કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના કારણે
કોરોના ઘટયો છે, હજી ખતમ થયો નથી લોકોએ વધારે સાવધાની રાખવી જરૂરી : વિજય રૂપાણી
કોરોનાનો બીજો વેવ શાંત પડવા માંડયો છે ત્યારે ધર્મ અને ધાર્મિકતાને વરેલા જનસમુહમાં રથયાત્રા યોજવાની વાતો જોરશોરથી થવા તો માંડી છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના ત્રીજા વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને 12મી જુલાઈએ રથયાત્રા યોજવી જોઈએ કે નહિ તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
બારમી જુલાઈએ અષાઢી બીજના દિવસો અમદાવાદમાં રંગેચંગે રથયાત્રા યોજાય તેવા મત ધર્મધૂરંધરો રાખી રહ્યા છે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રથયાત્રાને લઈને સરકાર અત્યારે કોઈ જ નિર્ણય લેવા માગતી નથી. યોગ્ય સમયે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
કોરોનાની રફ્તાર ઘટી હોવાથી સરકારે દુકાનો અને વ્યાપારિક પ્રવૃત્તિઓ ચાલુ કરવાની છૂટ આપવાની હજી તો શરૂઆત કરી છે. આગામી દિવસોમાં સાવધાની રાખવી પડશે. પરિસ્થિતિ હવે પછીના દિવસોમાં કેવી કરવટ બદલે છે તે જોઈને પછી જ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
મુખ્યમંત્રીનું કહેવું છે કે કોરોનાના વાયરસની રફ્તાર ઘટી છે. પરંતુ કોરોના વાયરસની અસર ક્યાં સુધી રહેશે તેનો અત્યારને તબક્કે કોઈ જ નિશ્ચિત અંદાજ મળી શકતો નથી. આ સ્થિતિમાં રથયાત્રા યોજવા અંગે હાલને તબક્કે કોઈ જ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ સંજોગોમાં લોકોએ વધારે જવાબદાર બનવાનું રહેશે.
કોરોના વાયરસના ચેપની ત્રીજી અને વધુ જોખમી લહેરનો અંદાજ આપવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી ભીડ એકત્રિત કરવી ઉચિત નથી. અમદાવાદમાં કાઢવામાં આવતી રથયાત્રામાં પણ લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. અત્યારના સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા દેવા ઉચિત જણાતા નથી.
ગયા વર્ષે રથયાત્રા યોજવાને મુદ્દે ખાસ્સા વિવાદ થયા હતા. ગુજરાત સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે વિખવાદ થયો હતો. તેથી કદાચ આ વર્ષે કોરોનાની સ્થિતિમાં વધારે સુધારો જોવા મળશે તો પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના ચુસ્ત પાલનની શરતે જ કદાચ રથયાત્રા યોજવાની અનુમતી આપવામાં આવી શકે છે. જગન્નાથ મંદિરના સૂત્રોનો આ સંદર્ભમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પ્રતિભાવ ન આપવાનું પસંદ કર્યું હતું.
રિપોર્ટ- રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

