કોરોના મહામારીમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્રની સાથે આરોગ્યકર્મીઓ લોકોને કોરોનાથી રક્ષિત કરવા દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. જેમના સન્માનનો કાર્યક્રમ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે ૧૭૦ જેટલા આશાવર્કર, ડૉક્ટર, આરોગ્યકર્મીઓ તેમજ ફિલ્ડ ઉપર જઇને કામ કરતા કર્મીઓનું મદુરા ફાઉન્ડેશનના સહયોગથી મંત્રીશ્રીના હસ્તે સેનેટાઇઝર, પીપીઇ કીટ, માસ્ક આપીને સન્માનિત કરાયા હતા.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ડૉક્ટર, આરોગ્યકર્મીઓ આશાવર્કર સહિત અનેક લોકોએ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી છે, જેના થકી અનેક કોરોના પોઝીટીવ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. વલસાડ જિલ્લાના નાગરિકોને કોરોનાથી બચાવવા જેમણે સતત પ્રયાસો કર્યા છે, તેમને બિરદાવી પ્રોત્સાહન આપવું એ આપણા સૌની નૈતિક ફરજ છે, જેનાથી અન્યને પ્રેરણા મળશે. કોરોના વોરિયર્સ દ્વારા કપરા સંજોગોમાં કરેલી સેવાઓની નોંધ લઇ મદુરા ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થાઓ તેમને મદદરૂપ બની રહી છે, જે પણ સરાહનીય છે. ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, આરોગ્યકર્મીઓ પોતાના પરિવારથી અંતર રાખીને પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, ત્યારે તેમની આ મહેતનને સફળ બનાવવા કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સેનેટાઇઝરનો ઉપયોગ કરવા, નિયમિતપણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ગરમ પાણી તેમજ આયુર્વેદિક ઉકાળો પીવાની સાથે કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
આ અવસરે મદુરા ફાઉન્ડેશનના મેનેજર ચંદ્રા, રસિક રાવલ, અગ્રણી મુકેશભાઇ પટેલ, રામદાસભાઇ વરઠા, પ્રકાશભાઇ પટેલ, દિલીપભાઇ ભંડારી, મદુરા ફાઉન્ડેશનના કર્મીઓ તેમજ કોરોના વોરિયર્સ હાજર રહ્યા હતા.


