સુરતઃ- બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશને કોસંબાથી ઉમરપાડા સુધીની નેરોગેજ રેલ્વે લાઈનને બ્રોડગેઝમાં રૂપાંતર કરવાની લેખિત રજૂઆત કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડાથી મહારાષ્ટ્રના નંદુરબાર સુધી નવી રેલ્વે લાઈનનો પણ સર્વે કરાવવાની રજુઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોસંબાથી ઉમરપાડા સુધી નેરોગેજ રેલ્વે લાઈનને બ્રોડગેઝમાં રૂપાંતર કરવા માટે વર્ષ ૨૦૧૫-૧૬ના રેલ્વે બજેટમાં ફંડની જોગવાઈ કરવામાં આવી હતી. રેલ્વેની સુવિધા વધવાથી અહીના ગ્રામ્ય વિસ્તારના બહુધા આદિવાસી વિસ્તારના લોકોને ફાયદો થશે તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
સુરત અને તાપી જિલ્લાના રેલ્વે પરના ત્રણ ઓવરબ્રિજની કામગીરી બાબતે કેન્દ્રીય રેલ્વે મંત્રીને રજૂઆત કરતા બારડોલી સાંસદ પ્રભુ વસાવાઃ
બારડોલીના સાંસદશ્રી પ્રભુ વસાવાએ કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશને લેખિતમાં સુરત જિલ્લાના બે અને તાપી જિલ્લાના રેલ્વે પરના ઓવરબ્રિજના કામને ઝડપભેર પૂર્ણ કરવાની રજુઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના સુરત-ધુલિયા તાપી રેલ્વેલાઈન પરના દસ્તાન રેલ્વે ક્રોસીંગ પર નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજનું કાર્ય ઘણાં વર્ષોથી અટકી ગયું છે. ઓવરબ્રિજના બંને છેડે ૫૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ વચ્ચેના હિસ્સાનું કાર્ય અધૂરું હોવાથી આ કાર્ય ઝડપભેર પૂર્ણ થાય તેમજ જિલ્લાના મઢી રેલ્વે ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ઝડપી થાય તેવી રજૂઆત કરી હતી, ઉપરાંત તાપી જિલ્લાના એલસી.નં.૫૧ વ્યારા, હોમિયોપેથી કોલેજપાસે રેલ્વે ઉપરના ઓવરબ્રિજની કામગીરીમાં પણ આવી જ સમસ્યા છે, તેમજ મઢી સુગર ફેક્ટરી પાસે ૪ વર્ષ પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, જેનું કાર્ય શરૂ થયું ન હોવાથી ઝડપથી આ તમામ કાર્યો પૂર્ણ કરવાની રજુઆત કરી હતી.


