બગોદરા જૂથ પાણી પુરવઠા યોજનાથી બગોદરા સહિત સાત ગામોને નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી મળશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ.૬.૧૧ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરામા નિર્માણ પામેલી જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અજાણ્યો અને અદૃશ્ય શત્રુ એવો કોરોના આવવાથી આપણું આખું જીવન અને તમામ આયોજનો બદલાય ગયા છે ત્યારે આવા કપરા કાળમાં પણ ગુજરાત સરકારે અવિરત ગતિથી વિકાસ કાર્યો ચાલે તે માટેનું આયોજન કર્યું છે અને તેથી જ હવે કોરોના સમયમાં અટકી પડેલા કામો અત્યારે ડબલ ગતિથી ચાલી રહ્યા છે. દરેક માણસની પ્રાથમિક જરૂરિયાત રસ્તા,પાણી અને વિજળી જન – જન સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાના જમાનામા નદી કિનારે વિકાસ થતો હતો. હવે, હાઇવે ટચ હોય તે ગામ અને શહેરનો વિકાસ થાય છે જેને લીધે સ્થાનિક રોજગારીનું સર્જન થાય છે. અને એટલે જ મુંબઈ, દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત ,અમદાવાદથી સૌરાષ્ટ્રમાં જવા માટેનું મહત્વનું સ્થળ- બગોદરા વિકાસનું બારુ બન્યું છે.” કોરોનાને નાથવા માટે રસીકરણ માત્ર એક ઉપાય છે એટલે દરેક લોકો અચુક રસી લઈ લે તેવો મંત્રીશ્રીએ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. આ યોજના અંતર્ગત શિયાળ હેડવકર્સથી બગોદરા હેડવકર્સ સુધીની ડી.આઇ પાઇપ લાઇન ,બગોદરા ખાતે ૧૫ લાખ લિટર ક્ષમતાના ભૂગર્ભ સંપ તથા છ લાખ લિટર ક્ષમતાની ઊંચી ટાંકી, પંપહાઉસ અને પંપીંગ મશીનરી તેમજ બગોદરાથી બાવળા તાલુકાના ગામો માટેની પાઇપ લાઇનની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. બગોદરા જૂથ પાણી પુરવઠા યોજના પૂર્ણ થવાથી બગોદરા સહિત ૭ ગામોને નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, મામલતદારશ્રી, પાણી પુરવઠા બોર્ડના ઈજનેર શ્રીઓ અને અધિકારીશ્રીઓ, ધોળકા પ્રાંત અધિકારીશ્રી અને સાત ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




