‘વતન પ્રેમ યોજના’ને સુરત જિલ્લામાં મળી રહેલો બહોળો પ્રતિસાદ

માંડવી તાલુકો ૫,૦૧૬ અરજી સાથે જિલ્લામાં અવ્વલ: જિલ્લામાં કુલ ૨૩,૪૩૦ અરજી નોંધાઈ

રાજ્ય કે દેશ બહાર વસતા લોકોને પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચુકવવા માટેનું સરળ પ્લેટફોર્મ એટલે વતન પ્રેમ યોજના.. ગ્રામીણગુજરાતના સર્વાંગી વિકાસ તેમજ ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓની પૂર્તિ માટે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા ‘વતન પ્રેમ યોજના’ લાગુ કરવામાં આવી છે. યોજના હેઠળ વતનથી દૂર રહેલા દાતાઓ વતનમાં કોઈ પણ વિકાસકીય કાર્યો અને સુવિધા ઉભી કરવા ઈચ્છતા હોય તો રાજ્ય સરકારે લાલ જાજમ બિછાવી છે. વિકાસકાર્યના કુલ ખર્ચના ૬૦ ટકા રકમ દાતાઓ અને ૪૦ ટકા રકમ સરકાર ચૂકવશે. રાજ્ય કક્ષાએ થઈ રહેલા વિકાસકાર્યોને ગ્રામ્ય કક્ષાએ પણ વેગ મળે તે યોજનાનો મુખ્ય હેતુ છે.

             વતનના વિકાસ માટેની આ યોજનાનો લાભ લેવા સુરત જિલ્લાના કુલ ૨૩,૪૩૦ લોકોએ રસ દાખવ્યો છે, અને ઓનલાઈન અરજી કરી છે. જેમાં સુરતનો માંડવી તાલુકો ૫,૦૧૬ ઓનલાઈન એન્ટ્રી સાથે અવ્વલ સ્થાને રહ્યો છે.  

               વતન પ્રેમ યોજના હેઠળ શાળાના ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ, કમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મધ્યાહન ભોજનનું રસોડુ, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, ચબૂતરો, વિશ્રામસ્થાન, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર એસ.ટી.પી. વગેરે, તળાવ બ્યુટીફિકેશન, એસ.ટી. સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબવેલ, કુવાના પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે. યોજનાનો લાભ લેવા ઈચ્છુક યોજનાનો લાભ લેવા માટે વેબસાઈટ https://vatanprem.org પર નોંધણી કરાવી વતનના સર્વાંગી વિકાસમાં સહભાગી બની શકે છે.

             સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના ઈ-ગ્રામ સેલ તથા ઈ-ગ્રામની ટીમના મોનિટરીંગમાં તમામ તાલુકા અધિકારીઓ, ટી.એલ.ઈ. ગ્રામ્યકક્ષાએ વી.સી.ઈ અને તલાટી-કમ મંત્રીઓ દ્વારા વતનપ્રેમ યોજનાના પોર્ટલ પર ૩૩ પ્રકારના ક્રાઈટેરિયામાં કુલ ૨૩,૪૦૩ ઓનલાઈન ડેટા એન્ટ્રી પૂર્ણ કરી રાજ્યભરમાં સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છે.

              આમ, સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જન કલ્યાણ-વિકાસકીય ત્રિવેણી સંગમ થકી ગામની સુવિધાઓમાં વધારો થશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM