પૂજ્ય બાપુના ગ્રામ સ્વરાજના સ્વપ્ન સાથે દેશભરમાં ગ્રામસભાનું આયોજન અને જલજીવન મિશન અંતર્ગત પાણી સમિતિઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ

અમદાવાદ જિલ્લાના કુંજાડ ગામે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગ્રામસભામાં સહભાગી થયા

ગુજરાત દેશમાં કોરોનામુક્ત થનારું પ્રથમ રાજ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુંજાડ ગામે આયોજિત ગ્રામસભાને સંબોધતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં કોરોનામુક્ત થનારું પ્રથમ રાજ્ય હશે. મંત્રીશ્રીએ તેનો તર્ક આપતા કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ નાગરિકોનું રસીકરણ થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ અવસરે ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા રસીકરણમાં ગુજરાતના આરોગ્યકર્મીઓને મળેલા પુરસ્કારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારની કોરોનાકાળની કામગીરીની પ્રસંશા કરતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાનું સંકટ ગંભીર બન્યું ત્યારે ત્યારે ગુજરાત સરકારની કોર કમિટીએ નિયમિત ધોરણે તેની સમીક્ષા કરી, જરૂરી પગલા લીધા અને અંતે કોરોના સંકટને ખાળ્યું

આરોગ્યમંત્રીશ્રીએ આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં  આજે ભારત વધુ મજબૂત બની રહ્યું છે અને દેશની શાખ વધી છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર વિશ્વમાં તેમના નેતૃત્વને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી વિકાસલક્ષી વ્યવસ્થાઓ વિકસાવી હતી અને તે વ્યવસ્થાઓ આજે પણ સુચારુ ઢબે કાર્યરત છે.

આરોગ્યમંત્રીશ્રીએ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સિંગરવા હોસ્પિટલને જરૂરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની પણ ખાતરી આપી હતી.

શ્રી ઋષિકેશભાઈ ભારતને વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્રની હરોળમાં સ્થાન અપાવવા માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે, સરકાર સાધન સંપન્ન વ્યક્તિને જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સુવિધાઓ ગરીબો સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે

શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા અનેકવિધ કામની વિગતો આપતા કહ્યું કે, ગામડાના નાગરિકોની સુખાકારી માટે ગ્રામ્યસ્તરે જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત તે માટેના નિર્ણય કર્યા છે.

આ અવસરે વટવાના ધારાસભ્યશ્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમના પ્રારંભિક ઉદબોધનમાં કહ્યું કે, કુંજાડ ગામ અને તેમની સમગ્ર ટીમે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો ઉત્તમ અમલ કર્યો છે તે માટે અભિનંદનને પાત્ર છે.

સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે પણ પીવાના શુદ્ધ પાણીની સુવિધામાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કેવી રીતે ઉત્તમ કામ થયું છે તેના અનુભવો વર્ણવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગાંધી જ્યંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં પાણી સમિતિઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ સાધવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *