શીખ સમુદાય ગુજરાતના વૈશ્વિક વિકાસમાં ખભે ખભા મિલાવી ભાગીદાર- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગુરુનાનક દેવજી પ્રકાશ પર્વરાષ્ટ્રીય ચિંતન અને અખંડિતતાને સુરક્ષિત રાખવામાં શીખ ગુરૂઓની મહાન તપસ્યા -વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

ગુજરાત શીખોનું બીજું ઘર છે શીખોને પ્રેમ અને ઈજ્જત આપનારની ધરતી છે- રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇક્બાલ સિંહ લાલપુરા

સર્વ સમાજની આસ્થાનું પ્રતિક લખપત સાહિબ ગુરુદ્વારા- સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા

ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે પ્રકાશ પર્વ સમાપન સમારોહ યોજાયો

ભુજ, આપણા ગુરૂઓનું યોગદાન સમાજ અને આધ્યાત્મિક પૂરતું જ નથી. આપણું રાષ્ટ્ર ચિંતન, રાષ્ટ્ર આસ્થા અને રાષ્ટ્ર અખંડિતતા આજે સુરક્ષિત છે તેની પાછળ પણ શીખ ગુરૂઓની મહાન તપસ્યા રહેલી છે એમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લખપત કચ્છમાં ઐતિહાસિક લખપત સાહિબ ગુરૂદ્વારા ખાતે શ્રી ગુરૂનાનક દેવજીના પ્રકાશ પર્વ સમાપન સમારોહમાં જણાવ્યું હતું.લખપત સાહિબ સમયની દરેક ગતિવિધિનું સાક્ષી રહ્યું છે. ભૂતકાળમાં લખપત સાહિબે ઘણા ઝંઝાવાતો જોયા છે. વ્યાપારનું મુખ્ય કેન્દ્ર રહેલા લખપતના મૌલીક ગૌરવને સાચવવા દેશના શિલ્પીઓએ પ્રાચીન લેખનશૈલીની દીવાલો પર ગુરુ વાણી અંકિત કરેલી છે. જેનાથી ગુરુનાનક દેવનો સંદેશો નવી ઊર્જા સાથે સમગ્ર દુનિયામાં પહોંચાડવાનો પ્રયાસ થયો છે. દસકાઓથી કતારપુર કોરીડોરની પ્રતીક્ષા હતી એ ૨૦૧૯માં અમારી સરકારે પૂર્ણ કર્યો છે. અમેરિકાએ ભારતને ૧૫૦થી વધુ ઐતિહાસીક વસ્તુઓ પરત કરી છે તેમાં એક નાની તલવાર પણ હતી જેમાં ફારસીમાં ગુરુ હરગોવિંદજીનું નામ લખ્યું હતું અને આ પાછી લાવવાનું સૌભાગ્ય પણ મારી સરકારને મળ્યું છે એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું. અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહેબના સ્વરૂપોને ભારત લાવવામાં પણ અમે સફળ રહ્યા છીએ. ગુજરાત માટે ગૌરવની વાત એ  છે  કે ખાલસા પંથની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર પંજ પ્યારેના ચોથા ગુરુ શીખ મોહકમ સિંઘ ગુજરાતના જ હતા. દેવભૂમિ દ્વારકામાં એમની સ્મૃતિમાં ગુરુદ્વારા બેટ દ્વારકા મોહાકમસિંઘનું નિર્માણ કરાયું છે. ગુરુનાનક દેવજી અને તેમની પછી થયેલા અલગ અલગ ગુરુઓએ ભારતની ચેતનાને તો પ્રજ્વલિત રાખી છે ભારતને સુરક્ષિત રાખવાના માર્ગ પણ બનાવ્યા છે.ગુરુ તેગબહાદુરજીને જેવી રીતે દેશે એમની ખરી માનવતા માટે ‘હિન્દ કી ચાદર’ ની પદવી આપી છે તે આપણને શીખ પરંપરા પ્રત્યે દરેક ભારતવાસીનો લગાવ દેખાડે છે. દશમ ગુરુ ગોવિંદસિંહ સાહેબનું જીવન પણ ડગલેને પગલે બલિદાનનું જીવતું જાગતું ઉદાહરણ છે. અંગ્રેજોના શાસનમાં પણ આપણા શીખ ભાઈ-બહેનો એ દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આપણી આઝાદીના સંગ્રામમાં જલિયાવાલા બાગ તેમનાં બલિદાનોનો સાક્ષી છે. કાશ્મીરથી કન્યા કુમારી સુધી અને કચ્છથી કોહિમા સુધી સમગ્ર દેશ એક સાથે સપનું જોઇ રહયો છે. એક સાથે સિદ્ધિનો પ્રયાસ કરી રહ્યો છે. આજે દેશનો મંત્ર છે એક ભારત શ્રેષ્ઠ ભારત. આજે દેશનું લક્ષ્ય છે એક નવા સમર્થ ભારતનો પુર્ન ઉદય. આજે દેશની નીતિ દરેક ગરીબની સેવા દરેક વંચિતને પ્રાથમિકતા. આજે આપણા દરેકના આદરણીય અટલજીની પણ જન્મ જયંતિ છે. અટલજીને કચ્છ માટે વિશેષ સ્નેહ હતો. તેમણે ભૂકંપ પછી કચ્છમાં કરેલા કાર્યો અને તેમની સાથે સરકારે પણ ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ કચ્છી માડુને અને કચ્છની વિશેષતાઓનો ઉલ્લેખ કરીને હાલે કચ્છમાં ચાલી રહેલા કચ્છ રણોત્સવમાં સૌને સહભાગી થવા તેમજ કચ્છ પ્રવાસન વિકાસમાં વેગ આપવા માટે સૌને અનુરોધ કર્યો હતો.થોડા સમય પહેલાં જ યુનેસ્કોએ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરતા ધોળાવીરાનો પણ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ થશે અને આ માટે વહીવટી તંત્ર દ્વારા કરાઇ રહેલી પરિવહન વ્યવસ્થાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ધોરડોથી ધોળાવીરા સુધીનો માર્ગ પણ ઝડપથી પૂર્ણ થશે તેવું તેમણે જણાવ્યું હતું.સર્વધર્મ સમભાવની સંસ્કૃતિને વરેલાં ગુજરાતના વૈશ્વિક વિકાસમાં શીખ સમુદાય ખભેખભા મિલાવી ભાગીદાર થઇ રહ્યો છે એમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતાના  અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કોમી એખલાસના તીર્થ ગુરૂદ્વારા લખપત સાહિબને સ્ટેટ પ્રોટેકટ મોન્યુમેન્ટ જાહેર કરાયું છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેખરેખ હેઠળ પુનઃનિર્માણ પામેલ ગુરૂદ્વારાને યુનેસ્કોએ એશિયા પેસિફિક હેરીટેઝ એવોર્ડ  પણ આપ્યો છે.જયાં ગુરૂનાનક દેવના  પગલાં પડયા છે એ ગુજરાતની ઐતિહાસિક ભૂમિ લખપતમાં પ્રકાશપર્વની ઉજવણીમાં સહભાગી થવાનો  આનંદ વ્યક્ત કરી તેમણે જણાવ્યું હતું કે, ગુરૂદ્વારાને વિશ્વકક્ષાના યાત્રાધામ તરીકે નિખારવા પ્રવાસન વિભાગે રૂ.૫ કરોડ ફાળવ્યા છે. પ્રવાસન વિકાસ અને પ્રાથમિક સુવિધાના પગલે શ્રધ્ધાળુઓને ઉત્તમ સુવિધાઓ મળશે. સર્વધર્મ સમ, સર્વધર્મ મમ સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કરી લાખો શીખ આસ્થાળુઓની મહેચ્છાપૂર્ણ કરી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.સમરસતા અને સામાજિક એકતાના તાંતણે બંધાયેલા શીખ સમુદાયને મુખ્યમંત્રીશ્રીએ પ્રકાશ પર્વની શુભેચ્છાઓ પાઠવી જામનગરની સરકારી હોસ્પિટલને ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ નામ અપાયું છે એમ જણાવી તેમણે ગુરૂ ગોવિંદસિંઘના પ્રિય શિષ્ય જામનગરના મોહકમસિંઘના જીવન ચરિત્રનો ઉલ્લેખ કર્યો હતો.આ  પ્રકાશ પર્વમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી ગુરુ નાનક દરબાર લખપત સાહિબ ખાતે માથું ટેકવી નાનક દેવજી ના આશીર્વાદ મેળવી દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તેમજ મુખ્ય મંત્રીશ્રીએ ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની ચરણ પાદુકાના દર્શન કર્યા હતા. વર્ષ ૨૦૦૧માં યુનેસ્કો દ્વારા મળેલ એવોર્ડનું નિરીક્ષણ કર્યું હતું.રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષશ્રી ઇકબાલસિંહ લાલપુરાએ જણાવ્યું હતું કે,  ગુજરાત શીખોનું બીજુ ઘર છે. ગુરૂનાનકને માનનારા પંજાબ અને ગુજરાતની આ ધરતી છે. ગોવિંદસિંઘ સાહેબનું શૌર્ય તેમજ પંજ પ્યારોના બલિદાન અને  શહીદીને યાદ કરૂ છું. ગુજરાતની ધરતી શીખોને પ્રેમ, ઇજ્જત આપનારની ધરતી છે. મુખ્યમંત્રીશ્રી અગ્રતા ક્રમે શીખોનો વિકાસ કરશે તેમજ તેમની સમસ્યાઓનું પણ નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “ જ્યાં ગુરૂ નાનક દેવજી પોતે આવ્યા હતા એવી પ્રવિત્ર ભૂમિ ને નમન કરી લખપત ગુરૂદ્વારાને પણ નમન કર્યા હતા. ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત ગુરૂદ્વારાનો જીર્ણોતર દ્વારા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને શીખ સંપ્રદાયે કર્યો હતો. આજે સર્વસમાજની આસ્થાનું પ્રતિક આ ગુરૂદ્વારા બન્યુ છે. જિલ્લાના સરહદી વિસ્તારના ગુરૂદ્વારા અને વિસ્તારના વિકાસ માટે સરકારે સહયોગ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ સર્વસમાજ અને સર્વકોમ માટે કામ કર્યુ છે તેમ શીખ સમુદાય માટે પણ વિશેષ ભાવ રાખ્યો છે. વિશ્વમાં કરતાપુર સાહેબ કોરિડોરનું ઉદઘાટન પણ પ્રધાનમંત્રીએ કર્યુ છે. આ તકે તેમણે  ગુરૂગોવિંદ સાહેબના ચાર સાહેબજાદાના બલિદાનોને પણ  યાદ કર્યા હતા.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લખપત ગુરુદ્વારા મેનેજીંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ સરદારે આપ્યું હતું તો આભાર વિધિ પરમજીત કૌર છાબડાએ કરી હતી.આ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી કેશુભાઇ પટેલ, અનિરુધ્ધભાઇ દવે, પૂર્વ રાજ્યમંત્રી તેમજ અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,  માંડવી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કાનજી કાપડી, શીખ સંપ્રદાયના અગ્રણી પરમજીત છાબડા, પવનસિંધિ ટ્રસ્ટ ઉપાધ્યાય, જગતાર સિંધુ, વિમલ ગુજરાલ, રણજીત સિંઘ, સુખચૈન સિંહ, સૌદાગર સિંહ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., પશ્વિમ કચ્છ એસ.પી.સી.શ્રી સૌરભ સિંઘ,બી.એસ.એફ.ડી.આઇ.જી.શ્રી સંજય શ્રી વાસ્તવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, પ્રાંતઅધિકારીશ્રી મેહુલ બરાસરા, મામલતદાશ્રી લખપત જોગસિંહ દરબાર, મામલતદારશ્રી નખત્રાણા હરેશ દરજી શીખ સંગત અને શીખ  તેમજ સર્વ ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *