

પ્રજા પ્રતિનિધિઓ તથા અમલીકરણ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ કેળવવાનીહિમાયત


ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે કેટલાક ખેડૂત લાભાર્થીઓની ૭/૧૨ અને પોપર્ટી કાર્ડમા થયેલી નામ નોંધણીની ક્ષતિઓને, નીતિનિયમો અનુસાર સુધારવાની બાબતે ચર્ચા કરતા, કલેક્ટરશ્રીએ આ બાબતે સુઓમોટો લઈને આવા કેસોની પુનઃ સમીક્ષા હાથ ધરવાની સૂચના આપી હતી.
પ્રમુખશ્રીએ કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલા એસ.ટી.બસોના રૂટો પુનઃ શરૂ કરવાની રજૂઆત કરતા, કલેક્ટરશ્રીએ ડાંગના દુર્ગમ વિસ્તારોમા સીમિત વાહન વ્યવસ્થાને ધ્યાને લઈને સત્વરે આવા રૂટો ફરી શરૂ કરવાની સૂચના આપી હતી. જાતિ/આવકના દાખલા બાબતે પણ શ્રી ગાવિતે સરળીકરણ કરવાની હિમાયત કરી હતી.
આગામી ઉનાળાને ધ્યાને લઈને પીવાના પાણી માટે ડાંગમા કોઈ અગવડ ઊભી ન થાય તેનુ આગોતરુ આયોજના કરવાની ચર્ચા કરતા શ્રી મંગળભાઈ ગાવિતે, નલ સે જલ યોજનાની અમલવારીની રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લાના પાણીના સ્ત્રોત, અને ઉપલબ્ધ વિકલ્પને લક્ષમા લઈ અસરકારક આયોજન કરવાની તાકીદ કરી હતી.
દરમિયાન પાર-તાપી-નર્મદા લિન્ક પરિ યોજના બાબતે પ્રજા પ્રતિનિધિઓ, અને પ્રજાજનોને સાચી જાણકારી આપવાની હિમાયત કરતા કલેક્ટરશ્રીએ આ યોજનાની અદ્યતન માહિતી, અને જોગવાઇઓની વિગતો ઉપલબ્ધ કરાવવાની સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
જળ સંચાઇ અંગે નાના ડેમ, સંગ્રહ તળાવો, માટીના પાળા બનાવવા માટે સત્વરે સર્વે સહિત નિર્માણની કામગીરી હાથ ધરવાની પણ, પદાધિકારીઓએ રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સિંચાઇ વિભાગના ખાતાકીય કામો ઉપરાંત મનરેગા યોજના હેઠળ પણ ગામે ગામ જળ સંચયના કામો કરવાની હિમાયત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગએ જળ સંચય ઉપરાંત “નલ સે જલ” યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડવા સાથે, આંગણવાડી કેન્દ્રોમા વીજ જોડાણની બાબતે પણ ઉપયુક્ત ઉપાયોની ચર્ચા કરી હતી.
ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે જિલ્લામા ચાલતા વિવિધ પ્રોજેકટ, યોજના,અને કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી સ્થાનિક પદાધિકારીઓને સમયસર થાય તે સુનિશ્ચિત કરવા સાથે વિકાસ કામો બાબતે અધિકારીઓ અને પદાધિકારીઓનુ પરસ્પર સંકલન જળવાઈ રહે તે આવશ્યક છે તેમ જણાવ્યુ હતુ.
વન અધિકાર અધિનિયમ હેઠળની પડતર અરજીઓ બાબતે સમયસર કાર્યવાહી પૂર્ણ કરવા, અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સત્વરે તેના લાભો આપવાની પણ હિમાયત કરી હતી. પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરાએ પડતર કેસોની તકનીકી વિગતો આપી સરકાર તથા વહીવટી તંત્ર હકારાત્મક અભિગમ સાથે આ બાબતે આગળ વધી રહી છે તેમ જણાવ્યુ હતુ.
ધારાસભ્ય શ્રી પટેલે બી.એસ.એન.એલ. તથા જીઓ ની સેવાઓ સત્વરે તેના યુઝર્સને મળતી થાય તે બાબતે ઝડપ કરવાની સાથે, સંદેશા વ્યવહારની સેવાઓને અદ્યતન કરવાની હિમાયત કરી હતી. કલેક્ટરશ્રીએ આ બાબતે બન્ને એજન્સીઓની અલાયદી બેઠક કરીને ત્વરિત અમલવારીની કવાયત હાથ ધરી હતી.
જિલ્લા સેવા સદન-આહવાના સભાખંડમા યોજાયેલ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકના બીજા દૌરમા બાકી ઓડિટ પેરા, સરકારી લેણાની બાકી વસૂલાત, પેન્શન કેસ, બાકી તુમારો, નાગરિક અધિકાર પત્ર તથા માહિતી અધિકાર અધિનિયમની પડતર અરજીઓ જેવા મુદ્દે પણ સમીક્ષા હાથ ધરવામા આવી હતી.
બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એ.ગાવીતે બેઠકની કાર્યવાહી સાંભળી હતી. નાયબ જિલ્લા વિકાસ અધીકારી શ્રી યોગેશ જોશીએ પૂરક વિગતો રજૂ કરી હતી.
