


જીવનમાં રમતગમતનું ખૂબ જ મહત્વ છે. રમતગમતથી આપણામાં ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૨(દિવ્યાંગ) બ્લાઈન્ડ જિલ્લા કક્ષાની સ્પર્ધાનો આરંભ કરાવતાં રોજગાર અને પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. તા. ૦૧ લી, મે, ગુજરાત રાજય સ્થાપના દિન નિમિત્તે સર્વે ઉપસ્થિત નાગરિકો અને ખેલાડીઓને અભિનંદન આપી પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. કે, રમતગમત થકી વ્યક્તિનો શારીરિક અને માસનિક વિકાસ થાય છે. તેમજ તે વ્યક્તિ વિચારીક રીતે પણ મજબૂત બને છે. તેમણે રાજયની સ્પોર્ટસ નીતિ જાહેર કરવામાં આવી છે, તેની પણ ટુંકમાં વિગત રજૂ કરી હતી. તેમજ જીવનમાં આળસ દૂર કરવા અને તંદુરસ્તી રાખવા માટે ખેલકૂદ કેમ જરૂરી છે, તેની રસપ્રદ વાત તેમની આગવી શૈલીમાં કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકો અને વ્યક્તિમાં ટેલેન્ટ ખૂબ હોય છે. તેમજ માનસિક રીતે પણ તેઓ ખૂબ મજબૂત હોય છે. તેમને માત્ર સહકાર અને લાગણી મળે તો તેમના રહેલી ખૂબીઓ બહાર લાવી શકાય છે. આજથી આરંભ થયેલ સ્પે ખેલ મહાકુંભ થકી આવા બાળકો અને નાગરિકોને તેમનું ટેલેન્ટ દેખાડવાની ઉમદા તક મળશે. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૨(દિવ્યાંગ) માનસિક ક્ષતિગ્રસ્ત તથા ડેપ્થ જિલ્લા કક્ષાની સ્પર્ધાનો આજથી આરંભ પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ,સેક્ટર-૦૭ ખાતેથી કરવામાં આવ્યો છે.જેમાં સ્પર્ધા સ્થળ પર ઓફ લાઈન રજીસ્ટ્રેશન કરી દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઇ શકે તેવી સુવિધા પણ કરવામાં આવી છે.તા:૦૩ થી ૧૨ મે દરમિયાન તાલુકા/ઝોનકક્ષાએ વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા/નગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓ યોજાશે. તથા તા:૧૫ થી ૧૯ મે દરમિયાન ઝોન(રાજ્યકક્ષા) અને તા:૧૫ થી ૨૯ મે દરમિયાન રાજ્યકક્ષા તથા સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ યોજાનાર છે. ખેલમહાકુંભમાં જુદી જુદી કક્ષાની સ્પર્ધામાં ૦૧ થી ૦૩ ક્રમ મેળવનાર ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, બ્લાન્ડ સોસાયટી, ગાંધીનગરના પ્રમુખ શ્રી જયંતિભાઇ પટેલ સહિત દિવ્યાંગ ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
