
અમદાવાદમાં હોસ્પિટલના રજીસ્ટ્રેશન સી. ફોર્મ રીન્યુઅલ ન થવાના કારણે 400 જેટલા પ્રાઇવેટ હોસ્પિટલોને સદાય તાળા લાગી જાય તેવી ભીતિ સર્જાણી છે જેને લઈને શહેરની બે હજાર જેટલી પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા બે દિવસ પહેલા જ હડતાળ પાડી હતી. જો કે રીન્યુઅલના મુદ્દાનું નિરાકરણ ન આવતા હોવાથી આજે બપોરે 2.30 કલાકે ડોકટરો સ્કૂટર, મોટર સાયકલ અને કાર રેલી યોજશે.આ રેલી અમદાવાદના રિવરફ્રન્ટ નજીક આવેલા વલ્લભ સદનથી શરૂ થશે અને આશ્રમ રોડ, ટાઉન હોલ, એલિસબ્રિજ, ખમાસા થઇ દાણાપીઠ મ્યુનિ. ઓફિસ જશે. અમદાવાદહોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયનના જણાવ્યા મુજબ ડૉ વીરેન શાહે જણાવ્યું કે સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સી ફોર્મ રીન્યુઅલ અને બીયુ પરમિશનનો મુદ્દાનું નિરાકરણ આવ્યું નથી. ઉકેલ ન આવતા આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.વર્ષ 2021 સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ માટે કયારેય બીયુ પરવાનગીની જરૂર પડતી ન હતી. મ્યુનિ. સ્ટાફ દ્વારા વિગતોની ચકાસણી કરે એ પછી નોંધણી પ્રમાણ પત્ર ઈશ્યુ થતું જેને સામાન્ય રીતે સી ફોર્મ કહેવાય છે.
