યુવાનો માટે પ્રેરણસ્રોત બન્યો ધ્રુવિલ પ્રજાપતિ

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મહેનત કરનાર વ્યક્તિને ધ્યેયપ્રાપ્તિ માટે કોઈ પણ અડચણ આવતી નથી આ વાક્યને અરવલ્લી જિલ્લાના મોડાસાના યુવાન ધ્રુવિલ પ્રજાપતિએ સાર્થક કર્યું છે.
મોડાસાની સર પી.ટી.સાયન્સ કૉલેજ, મોડાસાના ભૌતિકશાસ્ત્રના પૂર્વ અધ્યાપક અને હાલ સરકારી કૉલેજ, થરાદ ખાતે આચાર્ય ડૉ.જગદીશ. એચ. પ્રજાપતિના પુત્ર ધ્રુવિલને ફ્લિપકાર્ટમાં ૨૫ લાખ+ ના વાર્ષિક પગાર સાથે નોકરી પ્રાપ્ત કરી છે.
મોડાસાની જે.બી. શાહ સ્કૂલ ખાતે ધો 12 સુધી અભ્યાસ કરનાર ધ્રુવિલે મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા વડોદરાની એમ.એસ. યુનિ. ખાતે કોમ્યુટર ઇજનેરીના અભ્યાસની સાથે કૉલેજના બીજા વર્ષથી CAT પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી અને સ્નાતક બાદ પ્રથમ પ્રયત્નએ 99.11 PR સ્કોર કર્યો હતો. ત્યાર બાદ તુરંત ગ્રૂપ ડિસ્કશન, Essay રાઇટિંગ અને ઈન્ટરવ્યુ માટે અવિરત તૈયારીઓ શરૂ કરી લક્ષ્યપ્રાપ્તિ માટે રોજની 12 કલાક ઉપરાંત મહેનત કરી હતી.
જેના પરિણામે ભારતની IIM સ્તરે ઉચ્ચ ગ્રેડ ધરાવતી દિલ્હી ખાતેની FMS (ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ) સંસ્થામાં બે વર્ષનો MBAનો અભ્યાસ પૂર્ણ કરી યુવાનોને નવી દિશા ચીંધી છે.
પોતાના માતાપિતા તેમજ મ.લા.ગાંધી કેળવણી મંડળની જે.બી.શાહ સ્કૂલના પોતાના તમામ ગુરુજનોને વંદના કરી જણાવ્યું કે ધોરણ 12 સુધીના અભ્યાસ દરમ્યાન તેઓએ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બની મારા ઘડતરમાં વિશેષ ભૂમિકા નિભાવી હતી.
કહેવત છે કે ‘મોરના ઇંડા ચીતરવા ન પડે’, પોતાના પિતાની સાથે બાલ્યાવસ્થાથી જ સંઘશાખામાં જનાર ધ્રુવિલે RSSમાં પ્રથમ વર્ષ સુધીનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ છે, સંઘનું આ પ્રશિક્ષણ આજે પણ જીવનમાં ખુબ જ ઉપયોગી બની રહ્યુ છે.
દ્વિવાર્ષિક MBA કોર્સના સમર ઇન્ટર્નશિપ કાર્યક્રમના પ્રોજેક્ટવર્કના આધારે અભ્યાસ પૂરો થાય તેના એક વર્ષ પહેલાં જોબ ઓફર થઈ હતી. ફ્લિપકાર્ટમાં ધ્રુવિલે તકનીકી અને માર્કેટિંગમાં જવાબદારી નિભાવવાની છે. ભાવિ કારકિર્દી અંગે પૂછતાં ધ્રુવિલે જણાવ્યું કે ફ્લિપકાર્ટની નોકરી એક અણમોલ તક છે, જે બિઝનેસ ડોમેનમાં શીખવા માટે પ્રેરણારૂપ બની રહેશે. ભવિષ્યમાં આત્મનિર્ભર ભારતની દિશામાં પોતે સ્ટાર્ટઅપ ઉભુ કરવાની ખેવના રાખે છે.
આજકાલ યુવાનો સરકારી નોકરી માટે વિશેષ રુચિ રાખી રહ્યા છે, ત્યારે ખાનગી ક્ષેત્રે પ્રભાવી કારકિર્દી બનાવી પડકારો ઝીલવા આહવાન કર્યુ હતું.
