
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત દક્ષિણ કોરિયાના પ્રવાસે ગયેલા ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે દેગુ (Daegu) ખાતે વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે અગ્રણી ‘યંગવન કોર્પોરેશન’ (Youngone Corporation) સાથે વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં ‘યંગવન કોર્પોરેશન’ના પ્રેસિડેન્ટ શ્રી જે-યોંગ પાર્ક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ‘યંગવન કોર્પોરેશન’ એ વૈશ્વિક સ્તરે આઉટડોર સ્પોર્ટ્સવેર, પરફોર્મન્સ ગારમેન્ટ્સ અને ટેક્સટાઇલ ઉત્પાદનમાં ખૂબ મોટું નામ છે, જેમાં આશરે ૧ લાખ જેટલા વિશાળ કાર્યબળ (કર્મચારીઓ) કાર્યરત છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ફેબ્રિક્સ અને સિન્થેટિક મટિરિયલ્સના ઉત્પાદનમાં આ વૈશ્વિક કંપની મોખરાનું સ્થાન ધરાવે છે.
બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ યંગવન કોર્પોરેશનના નેતૃત્વને ગુજરાતમાં રોકાણ કરવા તેમજ સંયુક્ત સાહસો સ્થાપવા ભારપૂર્વક નિમંત્રણ પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતના સમગ્ર મેન-મેડ ફાઇબર ઉત્પાદનમાં એકલું ગુજરાત ત્રીજા ભાગનું યોગદાન આપે છે. રાજ્યમાં કપાસથી લઈને રેડીમેડ ગારમેન્ટ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ઉપલબ્ધ છે.
શ્રી સંઘવીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું કે, નવસારી ખાતે ૧,૧૪૨ એકરમાં બની રહેલો અત્યાધુનિક ‘પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક’ યંગવન જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ માટે રોકાણની વિપુલ તકો પૂરી પાડે છે. ગુજરાતની ઉદ્યોગ-ફ્રેન્ડલી નીતિઓ, ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીનો લાભ લઈને યંગવન કોર્પોરેશન ગુજરાત સાથે ભાગીદારી કરીને નવા શિખરો સર કરી શકે છે. તેમણે કંપનીના પ્રતિનિધિઓને આગામી વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા તેમજ ગુજરાતના ટેક્સટાઇલ ક્લસ્ટર્સની રૂબરૂ મુલાકાત લેવા આહવાન કર્યું હતું.
….