નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘વિશ્વ માનક દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય માનક બ્યૂરો (BIS) દ્વારા વિશ્વ માનક દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે ‘માનક મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને ગુણવત્તા અને ઉત્પાદનની શ્રેષ્ઠતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતાં જણાવ્યું કે વૈશ્વિક બજારમાં સ્થાન મેળવવા માટે માત્ર નિકાસનું સ્વપ્ન જોવું પૂરતું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો અપનાવી ઝીરો ડિફેક્ટ ઉત્પાદન તરફ આગળ વધવું અનિવાર્ય છે.

તેમણે ઉમેર્યું કે ગુણવત્તા એ માત્ર ઉત્પાદનની કિંમત કે બ્રાન્ડિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના ફિનિશિંગ, વિશ્વસનીયતા અને ગ્રાહકના સંતોષમાં પ્રતિબિંબિત થાય છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુણવત્તાનું મહત્ત્વ જીવનની રોજિંદી જરૂરિયાતોથી લઈને ઔદ્યોગિક ઉત્પાદન સુધી દરેક ક્ષેત્રમાં છે. ખાદ્યપદાર્થો, રમકડાં, વસ્ત્રો કે અન્ય કોઈ પણ ઉત્પાદન હોય, તેની ગુણવત્તા અને ફિનિશિંગ ગ્રાહકનો વિશ્વાસ જીતવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગો ગુણવત્તા સુધારણા, આકર્ષક પેકેજિંગ અને મૂલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે. સ્થાનિક સ્તરે ગુણવત્તા અને ઉત્પાદનક્ષમતામાં કરેલો સુધારો ઉદ્યોગોને મોટાં બજારો સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. આ માટે હંમેશાં મોટા ખર્ચની જરૂર હોતી નથી, ઉત્પાદન પ્રક્રિયામાં નાનાં-નાનાં સુધારા પણ લાંબા ગાળે નોંધપાત્ર પરિણામો આપી શકે છે.

 

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના સ્ટાર્ટઅપ્સ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવા માટે ગુણવત્તા સુધારણા અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન મહત્ત્વપૂર્ણ છે. ઉદ્યોગોએ પોતાની ઉત્પાદન પ્રક્રિયા અને ઉત્પાદનોની ખામીઓનું સ્વમૂલ્યાંકન કરી જરૂરી સુધારા અપનાવવા જોઈએ. ભારતના ઉત્પાદનો માટે વૈશ્વિક બજારમાં વિશાળ તકો રહેલી છે ત્યારે ગુણવત્તા અને વિશ્વસનીયતાના આધારે આ તકોનો લાભ લેવો જરૂરી છે.

રાજ્ય સરકાર, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ જેવી સંસ્થાઓ અને ઉદ્યોગજગતના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતના ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધામાં વધુ સક્ષમ બનશે. ટીમવર્ક, નવીનતા અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા ઉદ્યોગો નવી સિદ્ધિઓ હાંસલ કરી શકશે અને આગામી સમયમાં વૈશ્વિક બજારમાં ગુજરાતની ઓળખ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશ ગાંધીએ જણાવ્યું કે ઉદ્યોગો અને સેવાક્ષેત્રના સર્વાંગી વિકાસમાં ગુણવત્તાના ધોરણોનું વિશેષ મહત્ત્વ છે. તેમણે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગો દ્વારા મોટી સંખ્યામાં પ્રમાણપત્રો મેળવવામાં આવ્યાં છે, જે ગુણવત્તા પ્રત્યેની વધતી જાગૃતિ દર્શાવે છે.

આઇસક્રીમ ઉદ્યોગના પોતાના અનુભવને ટાંકતાં તેમણે જણાવ્યું હતું કે નિકાસ અને સ્થાનિક બજાર માટે અલગ ગુણવત્તાના ધોરણો રાખવાને બદલે દરેક ગ્રાહકને સમાન ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મળવું જોઈએ. કડક અને આંતરરાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા ધોરણો અપનાવવાથી ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિ વધશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પને વેગ મળશે. તેમણે BISને આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ ધોરણો વિકસાવવા તથા ઉદ્યોગોને ગુણવત્તા સુધારણા માટે સતત પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ગુજરાતના બ્રાન્ચ હેડ અજય કુમાર લાલે સ્વાગત કરી, સૌને આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૧૪ ઑક્ટોબરના રોજ ‘વિશ્વ માનક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીમાં સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્ય-૭ (SDG 7) એટલે કે ‘કિફાયતી અને સ્વચ્છ ઊર્જા’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ, સ્વચ્છ ઊર્જાના પ્રસાર અને ગુણવત્તાયુક્ત માનકોના મહત્ત્વ અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યને ઉજાગર કરવામાં આવ્યો હતો.

 

ભારતીય માનક બ્યૂરો દેશભરમાં માનકીકરણ અને ગુણવત્તા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. વિશ્વ માનક દિવસે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ઉત્પાદનો અને સેવાઓમાં ગુણવત્તા, સલામતી તથા વિશ્વસનીયતાના મહત્ત્વ અંગે નાગરિકો અને ઉદ્યોગજગતમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *