





મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહિલા કલ્યાણ શાખા દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અંતર્ગત નવા હાજર થયેલ કાઉન્સેલરોને પોતાની ભૂમિકા અને કામગીરીથી માહિતગાર કરવા અને પોતાની કામગીરી અસરકારક કરવા સક્ષમ બને, એ હેતુથી તા. ૦૭/૦૬/૨૦૨૨થી તા. ૨૧/૦૬/૨૦૨૨ ચાલનાર ઇન હાઉસ ઇન્ડક્શન તાલીમનો પ્રારંભ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે મંત્રીશ્રી મનીષાબેને જણાવ્યું કે, કાઉન્સેલરનું કાર્ય સમાજ માટે ખૂબ જ મહત્વનું છે. આ કોઈ પેપર વર્ક પ્રકારનું કાર્ય નથી પરંતુ કોઈના પરિવાર કે કોઈની જિંદગી સાથે સંકળાયેલું કાર્ય છે. કાઉન્સેલર તરીકે પીડિતો સાથે કાર્ય કરવાનું છે જે બહુ પડકારરૂપ કાર્ય છે. એક પીડિતાની મનોસ્થિતિ ખૂબ નાજુક હોય છે અને તેને યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચન આપવા તે કાઉન્સેલરનું મુખ્ય કાર્ય છે, જે આ તાલીમ દ્વારા તમને શીખવવામાં આવશે. કાઉન્સેલરે પીડિત મહિલાઓને અને તેમના પરિવારને એ રીતે માર્ગદર્શન આપવું જોઈએ કે જેથી કરીને તેમની વચ્ચેના મતભેદો અને અણબનાવોને સહજતાપૂર્વક અને કાયદાકીય રીતે ઉકેલી શકાય અને કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમનો આત્મવિશ્વાસ ટકી રહે એ કાર્ય તમારે કરવાનું છે જે તમને અહિયાં શીખવવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે એક કાઉન્સેલર તરીકે તમારામાં બાળકો અને મહિલાઓ સાથે વાર્તાલાપ કરી શકવાની અને તેમને મદદ કરવા માટે બનતું કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. એક કાઉન્સેલરમાં સમાજસેવા, ધૈર્ય અને મદદરૂપતાની ભાવના હોવી જરૂરી છે. આજે મહિલાઓ પગભર અને આત્મનિર્ભર થઈ છે. તેઓને આજે તેમના અધિકારો સમજાય છે, પરંતુ ઘણીવાર તેઓ પોતાના પર થઇ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવી શકતી નથી કે લડત આપી શકતી નથી. ઘણી જગ્યાઓએ મહિલાઓને પોતાના અધિકારો અંગે ખ્યાલ હોતો નથી. કોઈ પણ પ્રકારના ઉત્પીડન કે અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનો મહિલાનો અધિકાર છે. આવી મહિલાઓને મદદરૂપ થવાના ભાગરૂપે અને તેમને યોગ્ય ન્યાય અને માર્ગદર્શન અપાવવા માટે આ સપોર્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (પીબીએસસી) યોજના અંતર્ગત યોજાનાર આ તાલીમમાં કાઉન્સેલરોને બાળકો તથા મહિલાલક્ષી કાયદાઓ અને તેના માળખા, કાઉન્સેલિંગ પ્રક્રિયા, જેન્ડર, માનસિક આરોગ્ય તેમજ મહિલાઓ ઉપર થતી હિંસાનાં કારણો અને બચાવ વગેરે જેવા વિષયો અંગે સમજ આપવામાં આવનાર છે. તાલીમનું મોડયુલ ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ સાથે સંકલનમાં બનાવવામાં આવેલ છે.પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરએ ગુજરાત રાજ્ય પુરસ્કૃત યોજના છે, જે વર્ષ ૨૦૧૩-૨૦૧૪ થી સમગ્ર રાજ્યમાં અમલીકૃત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગૃહ વિભાગ સાથે સંકલનથી રાજ્ય કક્ષાએ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે , જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારી દ્વારા જિલ્લા પોલીસ સાથે સંકલનમાં યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઘરેલું હિંસા અને અન્ય સમસ્યાઓ જેવીકે , નશામાં થતી હિંસા , બળાત્કાર , બાળ અત્યાચાર , દહેજ , બાળકનો કબજો , સાઈબર ક્રાઈમ , મહિલાઓની જાતીય સતામણી તથા ડાકણ પ્રથા જેવા કેસોમાં પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવતી મહિલાઓને કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવાનો તેમજ મહિલાને તેના કાયદાકીય અધિકારોથી માહિતગાર કરવા અને કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત હાલ ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ ૬૫ સપોર્ટ સેન્ટર કાર્યરત છે. જેમાં સેન્ટર દીઠ બે કાઉન્સેલરની નિમણૂક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, તેઓ દ્વારા નીચે મુજબની મુખ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
– સેન્ટરમાં પીડિત મહિલા કે તેના કુટુંબીજનો સહાય માટે આવે છે ત્યારે તેમને ભાવનાત્મક ટેકો આપીને તેઓ યોગ્ય નિર્ણય લેવા સક્ષમ બને અને ન્યાયિક પ્રક્રિયામાં સાનુકુળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવુ.
– પોલીસ, પ્રોટેકશન ઓફીસર, કાનુની સેવા તથા ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગતના સર્વિસ પ્રોવાઈડર સાથે સંકલન કરીને મહિલાઓને ઘરેલું હિંસાના કેસમાં મદદ કરવી.
– પી.બી.એસ.સી. સેન્ટરમાં આવતી જરૂરિયાત મંદ મહિલાઓને હોસ્પિટલ , શેલ્ટર હોમ વગેરે જેવી અન્ય સંસ્થાઓમાં રેફર કરવી .
સપોર્ટ સેન્ટર મહિલા તરફી ( નારીવાદી ) અભિગમથી કામગીરી કરે છે . જેમાં મુખ્યત્વે કૌટુંબિક હિંસાના મુદ્દાઓમાં પીડિત મહિલાની જરૂરીયાત અને તેની ઇચ્છાને માન આપવામાં આવે છે. પીડિત મહિલા એ છે કે જેના પર અત્યાચાર થયો છે અને તેના હકોનું હનન થયુ છે. જેમાં શારીરિક / લૈંગિક આર્થિક તથા તેની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે તેના પર અત્યાચાર કરવામાં આવ્યો છે તેવી મહિલાને સપોર્ટ સેન્ટર ટેકો પુરો પાડે છે . પીડિત મહિલાને પોતાની ઓળખ બને અને તે પોતે સમાન હક અને તકો મેળવી શાંતીપુર્વક અત્યાચાર મુક્ત જીવન જીવી શકે તે માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. સેન્ટરનાં કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાનું આત્મસમ્માન , સ્વયોગ્યતા અને ગૌરવ પુનઃસ્થાપિત કરવા પ્રયત્ન કરવામાં આવે છે.
– પોલીસ સ્ટેશનમાં આવેલ પીડિત મહિલા જો તેની સમસ્યામાં સપોર્ટ સેન્ટરની દરમ્યાનગીરી ઇચ્છે તો નીચેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે:
• પીડિત મહિલાની હકીકતો ધ્યાનથી સાંભળી અને જરૂરી માહિતી લેવી .
• પીડિત મહિલાની અરજી લઈ તેને જનરલ રજિસ્ટરમાં તેની વિગતો લખવી .
• મહિલાની સમસ્યાની વિગતો ઇન્ટેકફોર્મ માં ભરવી .
• સામા પક્ષને કાઉન્સેલીંગ માટે બોલાવવા, પત્ર પાઠવવો , સામાપક્ષ સ્વૈચ્છિક રીતે મીટીંગ કરવા તૈયાર હોય તો કાઉન્સેલીંગ કરવું .
• મહિલા તથા તેના પર હિંસા કરનાર સાથે સ્વૈચ્છિક વ્યક્તિગત તથા ગ્રુપ મીટીંગ કરવી .
• અમુક જ કિસ્સામાં જ જરૂર જણાયે ઘરની મુલાકાત ( હોમ વિઝિટ ) કરવી.
આ પ્રસંગે સિદ્ધીબેન પટેલ, અધિક કમિશ્નર શ્રી, મહિલા અને બાળવિકાસ વિભાગ અને આનંદીબેન પટેલ, ડીન, વ્યવસાય શાખા, ગૂજરાત વિદ્યાપીઠ ઉપસ્થિત રહ્યાં હતાં. વિભાગના અધિકારીશ્રીઓ તથા વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

