


આણંદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)નીસાંસદ શ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે તેમજ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થવાની સાથે કોઇપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન પામે તે જોવાનો પણ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે જિલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદે દબાણ હોય તો તેવા તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટેકાંસ-નાળાની સમયસર સાફ-સફાઇ તે જોવા પણ જણાવ્યું હતું. શ્રી પટેલે જિલ્લામાં થતી ખાણ-ખનીજની ચોરી કોઇ સંજોગોમાં ચલાવી ન લેવાની સાથે આવી ચોરી કરતાં હોય તેઓની સામે કડકાઇથી કામ લેવા સંબંધિત અધિકારીને તાકીદ કરી હતી. શ્રી પટેલે કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી માનવીય સંવેદના સાથેકામગીરી કરવા સહિત જે કોઇ કામો બાકી રહ્યા હોય તેવા કામો ઝડપથી ચાલુ થાય તે જોવા પર ભાર મૂકી અધિકારીઓને તેઓ સ્વયં સ્થળ પર જઇ તપાસ કરે છે કે કેમ તેની પૃચ્છા કરી જરૂરી તપાસ કરી કામગીરી પૂર્ણ થાય તે જોવા સુચવ્યું હતું.
આજે આણંદ કલેકટર કચેરી ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી.
બેઠકમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે કેન્દ્ર-રાજય સરકાર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ વિકાસ એજનસી દ્વારા અમલી એવી વિવિધ ૪૨ પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કરી ટેન્ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો. સાંસદશ્રીએ આ ઉપરાંત વીજ કનેકશન, મમતા કાર્ડની કામગીરીની વિગતવાર છણાવટ કરી હતી. જયારે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે વધુમાં મહિલા ઉત્કર્ષ માટે મહિલાઓને જરૂરી લોન-ધિરાણ-સહાય સરળતાથી ઉપલબ્ધ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ સાંસદશ્રી અનેધારાસભ્યશ્રીઓ દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ યોગ્ય તે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવા પર ભાર મૂકયો હતો. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ધારાસભ્યો સર્વ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઇ સોઢાપરમાર અને નિરંજનભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નિવાસી અધિક કલેકટર શ્રી કે. સી. વ્યાસ, જિલ્લા આયોજન અધિકારી શ્રી રાવલ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

