
નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યકિત રક્તદાન કરીને આપી શકે જીવનદાન
14મી જૂન એટલે વિશ્વ સ્વૈચ્છીક રક્તદાતા દિવસ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા દ્વારા ધ્રબની સરકારી માધ્યમિક શાળાના બાળકોમાં રકતદાન અંગે જાગૃતિ આવે એ માટે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર પ્રકાશ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે રક્તએ એવું કિંમતી દ્રવ્ય છે કે જેને હજુ સુધી આજનું આધુનિક વિજ્ઞાન પણ કૃત્રિમ રીતે બનાવી શક્યું નથી, પરંતુ નાત જાતના ભેદભાવ વગર જે સ્વૈચ્છીક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે છે જેના થકી લાખો લોકોની જિંદગી બચાવી શકાય છે. લોહીની સૌથી વધુ જરૂરિયાત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને પડે છે, આ ઉપરાંત બ્લડ કેન્સર, પ્રસુતિ, અકસ્માત વગેરે સમયે પણ લોહીની ખાસ જરૂર પડતી હોય ત્યારે આવા દર્દીઓને સમયસર લોહી મળી રહે તે જરૂરી છે, અને જેના માટે વિશ્વમાં સ્વૈચ્છીક રકતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આમ તો અનેક રેગ્યુલર રકતદાતાઓ સમયાંતરે સ્વૈચ્છીક રક્તદાન કરતા જ હોય છે, પરંતુ 14 જુન 1868માં જન્મેલા અને વિશ્વના સર્વોચ્ચ સન્માન નોબેલ પારિતોષિક મેળવેલા પેથોલોજીસ્ટ વૈજ્ઞાનિક ડૉ. કાર્લ લેન્ડસ્ટરે લોહીના એ, બી અને ઓ ગ્રુપની શોધ કરી હતી જેના જન્મદિનને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા અને રેડક્રોસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 2005માં યોજાયેલ કમીટીમાં નક્કી કરવામાં આવ્યું. આજના ખાસ દિને લોકો સ્વૈચ્છીક રીતે રક્તદાન કરી અને લોહીની જરૂર વાળા લોકોની મહામુલી જીંદગીને નવજીવન આપવામાં સહભાગી બની રહ્યા છે ત્યારે મુંદરા તાલુકામાં રેડક્રોસ, રોટરી અને અદાણી જેવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પો યોજવામાં આવે છે. મુંદરા રેડકોસ સોસાયટીના વર્તમાન પ્રમુખ સચિનભાઈ ગણાત્રાએ પચાસથી વધુ વાર રક્તદાન કરી લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે ત્યારે અન્ય લોકો પણ મહામુલી જીંદગી બચાવવા રક્તદાન કરે તેવી શીખ બાળકોને આપીને સર્વે રક્તદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ધ્રબના સામુદાયીક આરોગ્ય અધિકારી ડૉ. હસનઅલી આગરીયાએ બાળકોને રક્તદાન અંગે પ્રતિજ્ઞા લેવડાવીને જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી, તેમજ રક્તદાન કરનારને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ નથી થતી. પરંતુ મજબુત મનોબળ વાળા રક્તદાતાઓ સમયાંતરે રક્તદાન કરીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી મહામુલી જીંદગી બચાવવા સહભાગી બને એવી અપીલ કરવામાં આવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય ચંદ્રેશભાઈ રાઠોડે આભારની લાગણી વ્યક્ત કરી હતી. જયારે કાર્યક્રમને સફળ બનાવવા હર્ષકુમાર પટેલ અને નિકુલકુમાર પરમાર સહયોગી રહ્યા હતા.

