





- પ્રગતિના પ્રણેતા અને પુરસ્કર્તા વિકાસ પુરુષ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી શનિવારે વડોદરામાં
- પાંચ જિલ્લાઓના અને રેલવેના રૂ.૬૬૨૦ કરોડથી વધુ રકમના સાકારિત વિકાસ કામોનું કરશે જન સમર્પણ..
- રેલવે સહિત પાંચ જિલ્લાઓ અને વડોદરા મહાનગર પાલિકાના રૂ.૧૪,૮૮૪ કરોડથી વધુ કિંમતના વિકાસકામોનો કરશે શિલાન્યાસ…તકતીઓનું કરશે અનાવરણ
- મધ્ય ગુજરાતને રૂ.૨૧,૫૦૪ કરોડના પ્રગતિ પ્રોત્સાહક આયોજનોની ધરશે વિકાસ ભેટ.
- બે નવીન આઇકોનિક યુનિવર્સિટીઝની સ્થાપના વિદ્યાધામ વડોદરાની શિક્ષણ નગરી તરીકેની ખ્યાતિ વધારશે…
પ્રગતિના પ્રણેતા અને પુરસ્કર્તા,વૈશ્વિક રાજનેતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક અને પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલા લેપ્રસી હોસ્પિટલ મેદાનમાં શનિવાર તા.૧૮ મી જૂનના રોજ, સવારના કુદરતી સૂર્યોદય પછી બપોરના સમયે ફરી એકવાર અભૂતપૂર્વ વિકાસનો જાણે કે બીજો સૂર્યોદય થશે.
અહીં ગુજરાત ગૌરવ અભિયાનની બીજી કડી હેઠળ અતિ વિરાટ વિકાસ પર્વ યોજવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રીશ્રી રૂ.૨૧,૫૦૪ કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન,પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા,આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા બહુ આયામી વિકાસ આયોજનોની મધ્ય ગુજરાતની જનતા જનાર્દનના ચરણે ભેટ ધરશે.આ લોક લાડીલા જન નેતાનું આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માતૃ શક્તિ સહિત વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓનો જન મહેરામણ હૃદયપૂર્વક અભિવાદન કરશે.
આ જનનાયક જન મેદની વચ્ચેથી અભિવાદનની વર્ષાને માણતા માણતા પસાર થાય એવું વિશિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.
પાવાગઢવાળી જગત માતાના આશીર્વાદ લઈ,તેમના નિજ મંદિરમાંથી ભાલ પર આશિષ તિલક કરાવી વિશ્વના વહાલા મોદી સાહેબ સીધા વડોદરાના કાર્યક્રમમાં આવશે.
તેઓ શ્રી ખાસ કરીને સગર્ભાઓ તેમજ મહિલાઓના પોષણની કાળજી લઈને આરોગ્ય સાચવનારી, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની બે નવીન યોજનાઓ મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના( ફાળવણી રૂ.૮૧૧ કરોડ) અને પોષણ સુધા યોજના( ફાળવણી રૂ.૧૧૮ કરોડ) નું લોકાર્પણ કરશે.
રાજ્યના સહ્રદયી અને સરળ,પ્રગતિ માટે પુરુષાર્થના ભેખધારી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી મંડળના સદસ્યો આ સમારોહમાં તેમની સાથે રહેશે.
જ્યારે રાજ્યના પક્ષ અધ્યક્ષ અને સાંસદ શ્રી ચંદ્રકાંત રઘુનાથ પાટીલની સાથે મધ્ય ગુજરાતના સંસદ સભ્યો,ધારાસભ્યો, પક્ષના પદાધિકારીઓ,પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ અતિ વિરાટ વિકાસ પર્વના સાક્ષી બનશે.
મધ્ય ગુજરાત માટે આ ન ભૂતો ન ભવિષ્યતિ વિકાસ ઉત્સવ છે. આટલા બધાં…અધધધ બોલી જવાય એટલા વિકાસ આયોજનોનો એક જ સ્થળે,એક સામટો લાભ મળ્યો હોય એવું પહેલીવાર બની રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણા અને રાજ્ય સરકારની કર્મઠતા તથા ભારત સરકાર અને રાજ્ય સરકારના કર્મયોગથી આ વિકાસનો સૂર્ય ઉદય થવાનો છે.
- વિકાસ પર્વ ની કેટલીક લાક્ષણિક વિશેષતાઓ
- ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂ.૧૫૩૫ કરોડના એક લાખ આવાસોનું થશે ઈ લોકાર્પણ..
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ.૨૧૧૦ કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા ૪૧,૦૭૦ આવસોનું ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ગૃહ પ્રવેશ..
- ઊર્જા અને પેટ્રો રસાયણ વિભાગના રૂ.૫૩ કરોડના કામોનું ઈ લોકાર્પણ..
- પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂ.૩૯૫ કરોડના કામોનું ઈ લોકાર્પણ, રૂ.૧૨૨ કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૩ કરોડના સૂચિત વિકાસ કામોને સાકાર કરવા ભૂમિપૂજન..
- માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ:રૂ.૧૦૯ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણ
- વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.૨૪૩ કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂ.૧૫ કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહુર્ત..
- વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ: કુલાધિપતિ ડો.હસમુખ અઢિયા અને કુલપતિ ડો. રમાશંકર દુબે ની ઉપસ્થિતિમાં ઈ શિલાન્યાસ..
- ભારતીય રેલવે પ્રાયોજિત રાજ્યના વિવિધ જિલ્લાઓના રેલ સેવા વિકાસના રૂ.૧૦,૭૪૯ કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ દ્વારા પરિવહન ક્ષેત્રના નવા આયામોનું સમર્પણ..
- વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના રૂ.૫૬૨૦ કરોડના કામોનો ઇ શિલાન્યાસ..
- મહિલા અને બાળ વિકાસ વિભાગની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભ..
- પોષણ સુધા યોજનાને વિસ્તારી ને ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં યોજનાનો પ્રારંભ
રાજ્યમાં એવો સમય પણ હતો કે વિકાસ બહુધા એકમ, દશક, સો, હજાર,દશ હજાર અને લાખ સુધીના આંકડાઓમાં સીમિત રહેતો.
વિકાસના આ નવીન મોદી યુગમાં અબજ, દશ અબજ, સો અબજ જેવા નવથી દશ આંકડામાં વિસ્તરેલો વિકાસ નવાઈ નહીં નક્કર હકીકત બની ગયો છે.
સુમેળથી ચાલતી ભારત અને ગુજરાતની ડબલ એન્જિન સરકારની વિકાસ કરવાની અપૂર્વ તાકાતની પ્રતીતિ વડોદરાનો આ અતિ વિરાટ વિકાસ મહોત્સવ કરાવી રહ્યો છે.
