














છેલ્લા ૨૦ વર્ષોમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજયભરમાં પ્રારંભ વંદે ગુજરાત વિકાસયાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષતા હેઠળ આજરોજ ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે યોજાયો હતો.
૨૦ વર્ષ વિકાસના ૨૦ વર્ષ વિશ્વાસના આપણી સરકારની આ વંદે ગુજરાત વિકાસયાત્રા વિશાળ અને અવિરત ચાલતી પ્રજાલક્ષી યાત્રા છે. ૧૩ વર્ષ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ ગુજરાતનો જે વિકાસ કર્યો છે તે ગુજરાત વિકાસ મોડેલને દેશ અનુસરી રહયું છે. ૮ વર્ષ પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળથી નરેન્દ્રભાઇ દેશમાં પણ પ્રજાને વિકાસના લાભો વિવિધ યોજના દ્વારા આપી રહયા છે.
ભૂકંપમાંથી કચ્છને બાળકની જેમ ઉછેરી વિશ્વ નોંધનીય બનાવનારા નરેન્દ્રભાઇએ કચ્છને પ્રવાસન અને ઔધોગિક હબ બનાવ્યું છે. કચ્છમાં જ નહીં રાજયમાં નર્મદાના નીર ૬૯ હજાર કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી ખેતરોમાં પહોંચાડયા છે. વડાપ્રધાન બનતા જ નરેન્દ્રભાઇએ સરદાર ડેમના દરવાજા પૂર્ણ ઉંચાઇએ લેવડાવ્યા હતા.
સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિથી ખેડૂતોને સહાય કરી છે. ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને ખેતી સહાય કરી છે. સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનાથી રાજય સરકારે પણ ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓને વિવિધ સહાય કરી આર્થિક ઉન્નત બનાવવા પ્રયત્ન કર્યા છે.
બે દાયકામાં પશુ આરોગ્ય મેળાથી ૩.૩૭ કરોડ પશુઓને રસીકરણ કરાયું છે. તો ૨.૭૫ કરોડ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી છે. આ તકે અધ્યક્ષાશ્રીએ વિવિધ યોજનાઓ વિશે વિગતે માહિતી પુરી પાડી પ્રજાને અનુરોધ કર્યો હતો કે વંદે ગુજરાત કાર્યક્રમ અન્વયે સરકારી યોજનાઓ જાણો અને તેનો લાભ લો. આ તકે તેમણે સબંધિત સૌ કર્મયોગીઓને અનુરોધ કર્યો હતો કે, સરકારની યોજનાઓનો લાભ સૌ સુધી પહોંચાડવાનો સહિયારો પ્રયાસ કરીએ.
આ તકે અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ વંદે ગુજરાત વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે વિવિધ યોજનાના લાભોનું યોજનાના પદાધિકારી તેમજ અધિકારીશ્રીઓએ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, રોટાવેટર, કમબાઈન્ડ હાર્વેસ્ટર, સ્માર્ટ ફોન, ટ્રેકટર, ફળ પાક વાવેતર, ટીસ્યુ ડેટ પાલ્મ, ઉજ્જવલા યોજના ગેસ કીટ, વ્હાલી દિકરી યોજના મંજુરી હુકમ પત્રો અને સહાય ચેકનું વિતરણ કર્યુ હતું.
આ તકે રથમાં વંદે ગુજરાત અંતર્ગત વિકાસ અને ગુજરાત ગાથાની ટુંકી વિગતોને લગતી ફિલ્મ પ્રજાજનોએ રસભેર જોઇ હતી.
સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા વિકાસ કામોની જાહેરાત તેમજ સરકારની લોકકલ્યાણની યોજનાનો પ્રચાર પ્રસાર વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આજથી ૧૯મી જુલાઇ-૨૦૨૨ સુધી જિલ્લામાં રથ પરિભ્રમણથી કરાશે. આપણે સૌ આ યોજનાઓ વિશે જાણીએ તેનો લાભ લઇએ અને સમૃધ્ધ બનીએ. કાર્યક્રમની આભારવિધિ અને સંચાલન મનન ઠકકરે કરી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ચેરમેન સર્વશ્રી મહેન્દ્રભાઇ ગઢવી, કેશવજી રોશિયા, કરસનસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, શ્રી હરિભાઇ જાટીયા, માધાપર જુનાવાસ સરપંચ ગંગાબેન મહેશ્વરી, ઉપસરપંચશ્રી દાદુભાઇ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)શ્રી જે.એ.બારોટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શ્રી એચ.બી.મકવાણા, પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, જિલ્લા આંકડા અધિકારીશ્રી રોહિત બારોટ, આયુર્વેદ અધિકારી ડો.પવન મીરાણી, પંચાયત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી પી.બી.ચાવડા, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઇ ઠકકર, મામલતદારશ્રી વિવેક બારહટ, સીડીપીઓશ્રી નીતાબેન ઓઝા તેમજ સબંધિત અધિકારીશ્રીઓ, અગ્રણી નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
માધાપર, ભુજ ઉપરાંત અંજાર ખાતે અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી લીલીવંતીબેન પ્રજાપતિ તેમજ નખત્રાણા ખાતે અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ વંદે ગુજરાત વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા તેમજ લાભાર્થીઓને વિવિધ સહાયના ચેક તેમજ મંજુરી પત્રકોનું વિતરણ કરાયું હતું.
અંજાર ખાતે યોજાયેલા વંદે ગુજરાત કાર્યક્રમમાં સમારોહ અધ્યક્ષ શ્રીમતિ લીલાવંતીબેન ડી. પ્રજાપતી, અતિથિવશેષ શ્રી વલમજીભાઈ હુંબલ ચેરમેન શ્રી અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, શ્રી ભરતભાઈ શાહ પૂર્વ નગરપતિ શ્રી અંજાર શહેર, શ્રી વસંતભાઈ કોડરાણી, પૂર્વ નગરપતિ શ્રી અંજાર શહેર, શ્રી ડેનીભાઈ આર. શાહ, પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ઉપસ્થિત રહયા હતા.