


વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ભાવિ શિક્ષકોને પ્રોત્સાહિત કરાયા



બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મનની શક્તિ થકી સંયમિત જીવનની શીખ અપાઈ
મુંદરા, તા.8: કચ્છના પેરિસ ગણાતા બંદરીય નગર મુંદરામાં છેલ્લા 52 વર્ષથી ભાવિ શિક્ષકો તૈયાર કરતી એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં સમાજમાં વધતી જતી વસ્તીની સ્થિરતા લાવવા સારું અને સામાન્ય જનસમુદાયમાં આ બાબતની જાગૃતિ આવે તે ઉદ્દેશથી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કરતા કોલેજના પ્રિન્સીપાલ ડો. લાલજીભાઈ વી. ફફલે વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા છે એમ જણાવીને જીવન ઘડતર કરતી તાલીમી સંસ્થા દ્વારા ભાવિ શિક્ષકોના માધ્યમથી સમાજમાં નાના કુટુંબ અંગે જાગૃતિ આવે તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં એમ જણાવ્યું હતું.
કોલેજના તાલીમાર્થીઓ દ્વારા વસ્તી વિસ્ફોટ, શિક્ષણ દ્વારા સમજણ, આરોગ્ય તંત્ર દ્વારા પરિવાર નિયોજન અંગે થતા પ્રયાસો અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો ફાળો વિગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરીને ચાલુ વર્ષના સૂત્ર “પરિવાર નિયોજનના અપનાવો પગલાં, લખો પ્રગતિના નવા અધ્યાય” ની વાત કરવામાં આવી હતી.
રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ આર્શીવચન આપતા ભાવિ શિક્ષિકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે મનની શક્તિ ઓળખીને સંયમિત જીવન થકી સમસ્યાઓનો ઉકેલ લાવી પ્રગતિ સાધી શકાય છે.
વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર પૂજાબેન જાટીયા, રિદ્ધિબેન ગુસાઈ અને તિતિક્ષાબેન ઠક્કરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. જ્યારે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કોલેજને મોમેન્ટો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામને ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રાધ્યાપક ડો.દિપક આર. પંડ્યા અને ડો.હિતેશ ડી. કગથરાએ સેવા આપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસ્તીબેન અંજારીયા અને જગતિબેન વોરાએ કર્યું હતું. આભારવિધિ હંસાબેન ઢીલા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ડો. રુચિતાબેન ધુઆ, હરિભાઈ જાટીયા, કેશરબેન મહેશ્વરી, પ્રકાશભાઈ ઠકકર, જીગ્નેશભાઈ પંચાલ અને મણિલાલ ચૌહાણ હાજર રહ્યા હતા.
