
ભારતને મહાશક્તિ બનાવવામાં આપણે સૌ યોગદાન આપવા સંકલ્પબદ્ધ થઈએઃ અંજુ શર્મા, અગ્ર સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનાં મહાનિયામક અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉદબોધન કરતાં શ્રી અંજુ શર્માએ જણાવ્યું હતું કે અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસો અને બલિદાનને કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. આજે તેમના બલિદાનને ખાસ યાદ કરવું જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશ વિકાસના માર્ગે ઝડપભેર આગળ વધી રહ્યો છે, આ વિકાસને આપણે આઝાદીના 100 વર્ષ પૂરાં થાય બાદ પણ અવિરત આગળ વધારવાનો છે. દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ તો જ સ્વતંત્રતા ટકી શકે. ભારતને મહાશક્તિ બનાવવામાં આપણે સૌ યોગદાન આપવા સંકલ્પબદ્ધ થઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.

શ્રી અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે હવે ફ્રીડમ ઑફ નહિ, ફ્રીડમ ફ્રોમ અંગે વિચાર કરવાનો છે. હવે આપણે ગરીબી, ભ્રષ્ટાચાર અને ભયમાંથી સ્વાતંત્રતા મેળવવાની છે. દેશનો દરેક નાગરિક સુખી, સમ્પન્ન અને શિક્ષિત હોય, એ માટે પ્રયાસો કરવાના છે. અમારી સંસ્થા શ્રમિકો ઉપરાંત વિદ્યા પ્રદાન કરવાનું પણ કામ કરે છે અને હવે તો કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી થકી શિક્ષણની ધારાને યુવાનો સુધી પહોંચાડવાની છે. યુવા પેઢીનું સંસ્કાર સિંચન કરવાનું છે અને તેમનામાં જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરવાની છે. નવી ટેક્નોલોજી અપનાવવાની છે. દેશને સુપર પાવર બનાવવા માટે યુવાનો યોગદાન આપે, એવો અનુરોધ તેમણે કર્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.