મુન્દ્રામાં બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રકાશિકા પ્રકાશમણી દાદીજીના 15માં સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી

મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેન્ટર પર બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રકાશિકા પ્રકાશમણી દાદીજીના 15માં સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દાદી પ્રકાશમણી 1969 થી લઈને 2007 સુધી બ્રહ્માકુમારીઝ સેન્ટરના મુખ્ય પ્રકાશિકા તરીકેની જવાબદારી સંભાળી હતી. 140 દેશોમાં બ્રહ્માકુમારીઝનો પ્રચાર પ્રસાર કરીને 25000થી પણ વધુ બહેનોને માર્ગદર્શન પૂરું પાડનાર દાદી પ્રકાશમણીજીએ 25 ઓગસ્ટ 2007 ના રોજ દેહ ત્યાગ કર્યો જેની સ્મૃતિમાં આ દિવસે બ્રહ્માકુમારીઝ પરિવારના ભાઈ બહેનો દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દાદીજીના આદર્શ ગુણો અને શક્તિઓનું વર્ણન કરી તેને જીવનમાં ઉતારીને પોતાના જીવનને ઉન્નતિ તરફ લઈ જવાના પ્રયત્ન કરી દાદી સમાન બનવાના સંકલ્પ લઈને બ્રહ્માકુમારી સાથે જોડાયેલા સર્વે ભાઈ બહેનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી દાદીજીની પુણ્યતિથિ દિવસની ઉજવણી કરી હતી.

બ્રહ્માકુમારીઝ મુન્દ્રાનાના મુખ્ય સંચાલિકા સુશીલાદીદીએ પોતાની ભાવવહી શૈલીમાં બાળ બ્રહ્મચારિણી રાજયોગીની દાદી પ્રકાશમણીજીના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ઇ.સ. 1922માં દીપાવલીના શુભ દિવસે જન્મેલા દાદીજીએ માત્ર 14 વર્ષની નાની ઉંમરે જ આધ્યાત્મિક રાહપર પ્રયાણ કરીને પોતાનું જીવન માનવ કલ્યાણ હેતું પ્રભુને સમર્પણ કર્યું હતું. એમના કુશળ નેતૃત્વના કારણે જ બ્રહ્માકુમારી સંસ્થાને રાષ્ટ્ર સંઘમાં સામાજિક પરિષદના સલાહકારનું સભ્યપદ મળ્યું હતું. વિશાળહૃદયી વ્યક્તિત્વના ધની એવા દાદીજીના કર્તવ્યો, ગુણો, ચરિત્રો અને મહાનતાઓની ઝલક સર્વેને પોતાની તરફ આકર્ષિત કરતી હતી. અને જેમના દર્શન માત્રથી જ સૌના દુઃખ, અશાંતિ અને ચિંતાઓ દૂર થઈ જતી તેઓ આજે પણ સર્વના દિલમાં અમર છે એવા મહાન વિભૂતિને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


વિશ્વ બંધુત્વ દિવસે પધારેલા બ્રહ્માકુમારી સાથે જોડાયેલા સર્વે ભાઈ બહેનોને તુલસીના રોપા આપીને દાદીજીના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી એક એક સદગુણ ધારણ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *