


ગામતળની જમીનોના વિવાદોનું નિરાકરણ લાવવા સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામજનોની મિલકતોનો સર્વે કરી તેમને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે
ઓલપાડ તાલુકાના સ્વામિત્વ યોજનાના અંદાજે ૭૫ હજાર મિલકતધારોને માલિકીહકના પૂરાવા મળશે: કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ઓલપાડમાં આગામી ૧૫ દિવસોમાં ડ્રોન ટેકનોલોજીથી ૮૪ ગામોનો સર્વે પૂર્ણ કરાશે
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા માટે બલકસ ગામથી કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ‘સ્વામિત્વ’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. ઓલપાડમાં આગામી ૧૫ દિવસોમાં ડ્રોન ટેકનોલોજીથી ૮૪ ગામોનો સર્વે પૂર્ણ કરાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત પ્રયાસોથી ગામતળની જમીનોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજનામાં ડ્રોન ટેકનોલોજીથી તમામ મિલકતોની ચકાસણી અને તેની માપણી કરી હક્ક ચોકસી કરવામાં આવશે. માલિકી હક્કના પુરાવા માટેની આ પ્રથમ યોજના અંતર્ગત ગ્રામજનોને તેમની જમીનોના દસ્તાવેજી પુરાવા અને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના સ્વામિત્વ યોજનાના અંદાજિત ૭૫ હજાર મિલકતધારોને લાભ મળશે. સ્વામિત્વ યોજના હેઠળ વર્ષોથી ગામમાં વસતા લોકોને તેમની મિલકતોના પુરાવાઓ મળશે અને તેમને બેંક લોન લેવામાં સરળતા રહેશે. સાથે જ ગામમાં રહેલી સરકારી મિલકતો જેવી કે, જમીન, તળાવો, ગૌચરની જમીનનું માપ લઇ તેની ચકાસણી કરી સરકારી મિલકતો કે જમીનોને અયોગ્ય દબાણોથી મુક્ત કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, હળપતિ નિવાસોને પણ પ્રોપર્ટીની નકલ આપવામાં આવશે. તેમજ ગામના તમામ રોડ રસ્તાની માપણી તેમજ ચકાસણી કરવામાં આવશે જેથી આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકાય. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવીએ જણાવ્યુ કે, સુરત જિલ્લામાં ૬.૨૦ લાખ મિલકતો છે, જે પૈકી ઓલપાડ તાલુકામાં ૧,૦૫,૬૨૭ મિલકતો નોંધાયેલી છે. સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓમાં સ્વામિત્વ યોજના વિશિષ્ટ છે. કારણ કે તે સર્વજનનું કલ્યાણ કરનારી યોજના છે. તેમણે ગ્રામજનોને જણાવ્યું કે, માત્ર આકારણીના આધારે કોઈ પણ મિલકતનો માલિકીહક મળી જતો નથી. પરંતુ આ યોજનાના કારણે ગ્રામ પંચાયત કક્ષાએ જ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ રૂપે માલિકી હક્કનો સાચો પુરાવો મળશે, જેનો મહત્તમ લાભ લેવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.